445 લાખના બાકી વેરા સામે માત્ર 98 લાખની વસૂલાત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
પાટડી નગરપાલિકાએ વેરા વસૂલાત માટે મોટું અભિયાન શરૂ કર્યું છે. પાલિકાને મળવાપાત્ર કુલ રૂ. 445.56 લાખના વેરામાંથી માત્ર 22 ટકા જેટલી રકમ એટલે કે રૂ. 98.44 લાખની જ વસૂલાત થઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈને પાલિકાએ રૂ. 10,000થી વધુ બાકી રકમ ધરાવતા 200થી વધુ બાકીદારોને નોટિસ ફટકારી છે.
- Advertisement -
વેરા વસૂલાત માટે પાલિકાએ પાંચ ટીમો બનાવી છે, જે ડોર-ટુ-ડોર જઈને વસૂલાત કરશે. પાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, રૂ. 5000થી વધુ બાકી રકમ ધરાવનારાના પાણી કનેક્શન કાપી નાખવામાં આવશે, જ્યારે રૂ. 10,000થી વધુ બાકી રકમવાળા મિલકતધારકોની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાએ મિલકતવેરો, પાણીવેરો, વ્યવસાય વેરો અને દુકાન ભાડાની બાકી રકમની વસૂલાત માટે આ પગલું ભર્યું છે. વેરા વસૂલાત અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે જાહેર ચોકમાં નોટિસ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. પાલિકાના આ કડક વલણને કારણે બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.