ખાસ ખબરના અહેવાલ બાદ મનપા તંત્ર સફાળું જાગ્યું: પરંતુ જમીન ભીની હોવાથી કામ ધીમું
વિદ્યાનગર રોડ, જ્યુબિલી ચોક વિસ્તારમાં વરસાદી ખાડા – માર્ગ મરામતનું કામ શરૂ કરી દેવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ આખું ખાડાગ્રસ્ત થઈ ચુક્યું છે. મેઘરાજાએ મનપાએ ડામર રોડના નબળા કામનો પર્દાફાશ કર્યો છે. જેમાં ગેરેન્ટેડ રોડમાં પણ ગાબડાઓ પડી ગયા છે. ત્યારે ગઈકાલે ખાસ ખબરના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને રસ્તા પર પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદના લીધે રાજકોટના ત્રણેય ઝોનમાં મસમોટા ખાડા પડ્યા છે. દર કિલોમીટરે 20થી વધુ ખાડા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
જેમાં શહેરના 150 ફૂટ રીંગ રોડ પર માધાપર ચોકડી, રૈયા ચોકડી, ખીજડાવાળો રોડ, મવડીમાં મસમોટા ખાડા પડી ગયા છે સ્માર્ટ સિટી જાહેર થયેલાં રાજકોટ શહેરનાં ગણ્યાંગાંઠ્યા રસ્તાઓને બાદ કરતાં મોટાભાગનાં રોડ ઉપર નાનામોટા ખાડા અને ડામર ઉખડી ગયાં બાદ વિકાસ ગાંડો થયો છે અને હવે વરસાદ બાદ પેચવર્કની કામગીરીનો પ્રારંભ કર્યો છે. પેચવર્ક કરતા પહેલા ખાડાઓને લેવલ કરી સાફ કરીને ડામર નખાય છે ત્યારે જમીન સૂકી હોવી જોઈએ. હજુ ઘણી જગ્યાએ સફાઈ દરમિયાન જમીન ભીની હોવાનું જણાય છે તેથી ત્યાં ડામર કામ કરાયું નથી.
બે દિવસમાં જમીન સુકાય જાય એટલે ઝડપથી કામ ચાલુ થશે. બીજી તરફ ખાડાઓ બૂરવાની કામગીરી ગુણવત્તાયુક્ત થાય તેવો સ્પષ્ટ આદેશ મનપા કમિશનરે કર્યો છે અને સાથે જ ટેક્નિકલ વિજિલન્સની ટીમ સ્ટેન્ડ ટુ રાખી છે. વિદ્યાનગર મેઈન રોડ તેમજ જયુબિલી ચોક જવાહર રોડ પર વરસાદને પગલે પડી ગયેલા ખાડામાં મેટલ નાખીને આર.એમ.સી.ની ટીમ દ્વારા રોડને સમતલ કરી દેવામાં આવ્યો હતો.