રાજકોટની મુખ્ય સમસ્યા રસ્તા મુદ્દે કોઈ ચર્ચા જ ન થઈ: વિપક્ષના પ્રશ્ર્નોને પાછળ ધકેલી દેવાયા
વોર્ડ નં.14ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાએ સ્વચ્છ ભારત મિશન હેઠળ મુદ્દે પૂછેલા પ્રશ્ર્નમાં બોર્ડ પૂર્ણ કરી દેવાયું
- Advertisement -
બોર્ડમાં કુલ 16 એજન્ડાને બહાલી અપાઈ: માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ મીડિયા ટુર્નામેન્ટ માટે વિનામૂલ્યે ભાડે અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દ્વિમાસિક સાધારણ સભા આજે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કુલ 16 એજન્ડા રાખવામાં આવ્યા હતા જે સર્વાનુમતે પસાર કરી દેવાયા છે. જે અંતર્ગત મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતના એજન્ડાનો સમાવેશ થાય છે. જો કે, દર વખતની જેમ આ વખતે પણ એક જ પ્રશ્ર્નમાં જનરલ બોર્ડ પુરૂ કરી દેવાયું હતું. વિપક્ષના ચાર નગરસેવકોએ 12 પ્રશ્ર્નો પૂછયા હતા. વશરામ સાગઠિયા, મકબુલ દાઉદાણી અને ભાનુબેન સોરાણીએ પૂછેલા પ્રશ્ર્નો અનુક્રમે 14, 15 અને 16મા ક્રમે ધકેલી દેવામાં આવ્યા હતા. જેથી તેમના પ્રશ્નનો વારો જ આવ્યો ન હતો. જેમાં પ્રથમ પ્રશ્ર્ન વોર્ડ નં.14ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાએ બે વર્ષમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ મળેલી ગ્રાન્ટો અને થયેલા કામો, વોટરવર્કસ શાખા હસ્તકના પ્રોજેક્ટની માહિતી માંગી હતી. જેની માહિતી ઈન્ચાર્જ મ્યુનિ.કમિશનરે આપી હતી. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને શહેરી વિકાસમાંથી મળતી સ્વભંડોળ, સીએસઆરમાંથી મળતી ગ્રાન્ટમાંથી સ્વસ્છતાના કામોને વેગ મળી રહ્યો છે. શહેરને ગાર્બેજ ફ્રી સિટી બનાવવા, ઘન કચરાને વૈજ્ઞાનિક ઢબે દૂર કરવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કાર્યરત છે. નાગરિકોની સુવિધા માટે જેસીબી અને મેનપાવર દ્વારા વેક્યુમ સ્વિપીંગ મશીનથી રાત્રે શહેરના મુખ્યમાર્ગો પર સફાઈ કરવામાં આવી રહી છે. શહેરમાં નાના મોટા 63 વોંકળા છે ત્યાં પણ સમયાંતરે સફાઈ કરવામાં આવી રહી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ન્યુસન્સ પોઈન્ટ, સેપ્ટીક ટેન્કની સફાઈ માટે 13 ડમ્પર, 18 જેસીબી કાર્યરત છે. બીજો પ્રશ્ર્ન વોર્ડ નં.6ના કોર્પોરેટર પરેશ પીપળિયાએ પ્રોજેક્ટ શાખા હસ્તકની યોજનાઓ, ટેક્સ શાખામાં ડિસ્કાઉન્ટ સ્કીમના લાભાર્થીઓની વિગતો પૂછી છે. જ્યારે વિપક્ષના નગરસેવક કોમલબેન ભારાઇએ રાજકોટ મનપામાં 10 વર્ષમાં કેટલા કૌભાંડો થયા તેની વિગતો આપો તેવો પ્રશ્ન પૂછતા અધિકારીઓએ મેયરના ઇશારે આ પ્રશ્ર્ન બોર્ડમાં ન આવે તે માટે 9મા ક્રમે ધકેલી દીધો હતો. એજન્ડામાં આ વખતે બોલબાલા ટ્રસ્ટના માર્ગ અને 80 ફૂટ માર્ગને જોડતા ચોકને આહીર ચોક, જૂના જકાતનાકા મોરબી રોડ પર આવેલા ચોકને સિંદૂર ચોક નામકરણ, બેડીપરા ફાયર સ્ટેશનની પાસે આવેલા ચોકને નકલંક ચોક, સંતકબીર રોડ પર રાંદલ ભેળ પાસે કે.ડી.ચોક સહિતના એજન્ડા મંજૂર કરાયા છે.
- Advertisement -
શહેરની મુખ્ય સમસ્યા ખાડા વિશેની પ્રશ્ર્નોતરી જ ન થઈ
રાજકોટ શહેરની અત્યારે મુખ્ય સમસ્યા રોડ-રસ્તા પર પડેલા ખાડા છે. જેના વિશે જનરલ બોર્ડમાં કોઈ ચર્ચા જ ન થઈ. વિપક્ષના ખાડાના પ્રશ્ર્નોને પાછળ ધકેલી દેતા તેનો વારો જ આવ્યો ન હતો. જેમાં શહેરના મુખ્ય માર્ગોથી લઇને શેરીઓ સુધીના ડામર રસ્તાઓ ઉપર પડેલા તોતિંગ ખાડાઓ અને નવા ભળેલા મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર, મનહરપુર-1 સહિતના વિસ્તારોમાં ગંદકી સહિત મુદ્દે વિપક્ષી નેતા બોલવા જતા તેને અટકાવ્યા હતા.
વોર્ડ નં.10ના કોર્પોરેટર
ડૉે. રાજેશ્રીબા ડોડિયા નાની બાળકી લઈને જનરલ બોર્ડમાં આવ્યા
માતાનું કર્તવ્ય અને બીજી તરફ એક કોર્પોરેટર તરીકે જનની સેવા એક સાથે નિભાવવી ભારે કપરૂં કામ હોય છે. પરંતુ તેમ છતાં બન્ને જવાબદારીને સુપેરે નિભાવવાનું કામ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં-10ના કોર્પોરેટર ડો.રાજેશ્રીબા ડોડિયા કરી રહ્યા છે. માતા પ્રત્યેની જવાબદારી અને ફરજ બન્ને બાબતે રાજેશ્રીબા ડોડિયાએ નારી શક્તિની અનોખી મિસાલ આપી છે.
વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ: વિપક્ષી નેતા વશરામ સાગઠીયા
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા કોંગ્રેસે રસ્તા મુદ્દે ભારે વિરોધ કર્યો હતો. રોડમાં ભ્રષ્ટાચાર બંધ કરોના બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. રોડ રસ્તા મુદ્દે વશરામ સાગઠીયા બોલવા જતા તેને અટકાવવામાં આવ્યા હતા. વશરામ સાગઠીયાએ કહ્યું હતું કે, અમારા પ્રશ્ર્નનો વારો જ નથી આવતો આવું દરવખતે થાય છે. જ્યારે બોર્ડમાં બેનરો સાથે વિપક્ષોએ હોબાળો કરતા તેને બહાર મોકલવામાં આવ્યા હતા.
ટાઉન પ્લાનિંગના અધિકારીઓ સૂચના નથી માનતા તેની પાસે કામ લેવાનું કામ મેયર તમારૂં: વિનુભાઈ ઘવા
જનરલ બોર્ડમાં કોર્પોરેટર વિનુભાઈ ઘવાએ કહ્યું હતું કે, ટીપી શાખાના કેટલાક અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે અને કોઇ અધિકારીના સૂચનાનું પાલન નથી કરતા. તેને ઓર્ડર આપી કામ લેવાની જવાબદારી મેયર આપની છે. તેથી તમારે સૂચના આપી કડકાઈથી કામ
લેવું જોઈએ.



