સૌરાષ્ટ્રભરમાંથી બ્રાહ્મણો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
બ્રહ્મસમાજમાં યોગદાન આપનાર પાંચ ભૂદેવોનું પરશુરામ એવોર્ડ આપી સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે સંસ્થાનના આદ્યસ્થાપક અભયભાઈ ભારદ્વાજના જન્મ દિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ (2025)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજની અડીખમ સેવાના ભેખધારી, સમાજ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર, ઉમદા કાનુનવિદ્, કર્મઠ નેતા, હાક કરો ત્યાં હાજર એવા બ્રહ્મતેજના તણખા સમાન, બ્રહ્મસમાજના મોભી અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વેજે ઈ.સ. 1989ના રોજ પરશુરામ યુવા સંસ્થાનની સ્થાપના કરી હતી અને ત્યાર બાદ ભારતવર્ષમાં સૌ પ્રથમ પરશુરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન અભયભાઈ દ્વારા ઉના ખાતેથી કરી પરશુરામ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. બ્રહ્મપ્રતિભાઓ કે જેમનું સમાજ પ્રત્યે મુઠ્ઠી ઉંચેરું યોગદાન હોય એવા બ્રહ્મ-કર્મયોગીઓને સન્માનિત કરવાની પરંપરા અભયભાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ જ પરંપરાને અભયભાઈના કૈલાસગમન બાદ અવિરત રીતે કાર્યરત રાખવા છેલ્લા ચાર વર્ષથી પરશુરામ સેવા સંસ્થાન- રાજકોટ દ્વારા અભયભાઈના જન્મદિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવે છે અને પાંચ બ્રહ્મ-કર્મયોગીઓને ‘પરશુરામ એવોર્ડ’ એનાયત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અભયભાઈના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્ર અને બ્રહ્મસમાજમાં પોતાનું યોગદાન આપનાર પાંચ ભૂદેવોને પરશુરામ યુવા સંસ્થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
પરશુરામ એવોર્ડ અર્પણ 2025 સમારોહનો પ્રારંભ હાસ્ય કલાકાર કપિલભાઈ જોષી દ્વારા કાર્યક્રમમાં હાસ્યરસ પીરસવામાં આવ્યો હતો. ત્યાર બાદ પ્રસિદ્ધ લોકગાયક તેજસભાઈ ત્રિવેદી અને ઉર્વીશાબેન પંડ્યા દ્વારા દેવાધિદેવ મહાદેવના શિવ તાંડવ સ્તોત્ર અને બ્રહ્મતેજ ઉજાગર કરતા ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
સમારોહમાં પ્રારંભ પરમાત્માનંદજી સરસ્વતીજી, સંયોજક હિંદુ ધર્મ આચાય4 સભા, સમારોહના અધ્યક્ષ ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જૈન્તિરામ બાપા, સત પુરણ ધામ ધુનડા આમ, ઘનશ્યામજી મહારાજ, ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલ તથા રાજકોટના પ્રથમ નાગરિક મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, સાથે જ શહેર ભાજપ અધ્યક્ષ માધવભાઈ દવે, પૂર્વમેયર બીનાબેન આચાર્ય, બ્રહ્મ અગ્રણી કશ્યપભાઈ શુક્લ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વકુલપતિ ડો. કમલેશભાઈ જોષીપુરા, મઝદૂર સંઘના અગ્રણી હસુભાઈ દવે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ અગ્રણી નરેન્દ્રભાઈ દવે, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી છેલભાઈ જોષી, પ્રદેશ ભાજપ અને બ્રહ્મઅગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સહકાર ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતા અને મ્યુઝિકલ ડાયરેકટર પંકજભાઈ ભટ્ટનાઓના કલકમલે ભારતીય સંસ્કૃતિ મુજબ દિપ પ્રાગટ્ય કરી સમારોહનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સમારોહનું સ્વાગત અભિવાદન અભયભાઈના પુત્ર અને સમારોહના આયોજક અંશ ભારદ્વાજ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ભૂદેવોનું શાબ્દિક અભિવાદન કરી સમારોહ વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ત્યાર બાદ પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ચૈત્ર નવરાત્રિના પાવન દિવસો પર સંતો અને ઉપસ્થિત મહેમાનોનું નાની બાળાઓના શુભહસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી સર્વેનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. અભયભાઈના જીવન પ્રસંગોને આધારિત અભયભાઈ પરની એક ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડો. લંકેશબાપુએ પોતાની આગવી શૈલીથી સર્વેને શિવ તાંડવ સંભળાવી મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે જ બ્રાહ્મણ અને મહાદેવ એમ બંને વિષયો પર શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપ્યું હતું.
પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-2025માં અધ્યક્ષ અભયભાઈના સાથી અને પરમ મિત્ર વિજયભાઈ રૂપાણી પૂર્વમુખ્યમંત્રી, ગુજરાત રાજ્યએ પોતાના પરમ મિત્ર અભયભાઈ વિશે વિશેષ વાત કરી હતી. પોતાની જૂની યાદો કોલેજ સમયના પ્રસંગો અભયભાઈના ગુસ્સો અને પ્રેમ વિશે સર્વેને અભયભાઈની ઝાંખી બતાવી હતી. વિજયભાઈએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ જો ટક્યો હોય તો એના મૂળમાં બ્રહ્મસમાજ છે. સંસ્કૃતિને જીવાડવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ બ્રાહ્મણોએ કર્યું છે. વધુમાં કહ્યું હતું કે આ રાષ્ટ્રની અને હિંદુ ધર્મની એકતા અને અખંડિતતાના મૂળમાં બ્રહ્મસમાજ છે. સાથે જ અભયભાઈની વિદ્યાર્થી કાળથી રાજ્યસભાના સાંસદ સુધીનો સમયગાળાની યાદગાર ક્ષણો વિજયભાઈએ યાદ કરી હતી.
ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા જસદણ ખાતેની પાઠશાળામાં અનાવરિત થનાર અભયભાઈ ભારદ્વાજની પ્રતિમાની એક સુંદર ઝલક જસદણના બ્રહ્મ અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત સહુને નિહાળવામાં આવી હતી. ત્યારબાદ પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ભરતભાઈ યાજ્ઞિક, જે. જે. રાવલ, ડો. જગદીશભાઈ ત્રિવેદી, ડો. રાજેન્દ્રભાઈ રાવલ, પુષ્કરરાય જાનીને પરશુરામ એવોર્ડ સમારોહનું અધ્યક્ષ વિજયભાઈ રૂપાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો તથા ફરશી, પરમાત્માનંદ સરસ્વતીજી તેમજ ડો. લંકેશ બાપુ શુભહસ્તે તથા ઉપસ્થિત સંતો અને મહેમાનો દ્વારા પાંચ કર્મયોગી બ્રાહ્મણોને રૂદ્રાક્ષ માળા, સવા રૂપિયો, નાળીયેર તથા શાલ પહેરાવી પરશુરામ એવોર્ડ અંતર્ગતની આ પાંચ વસ્તુ અર્પણ કરવામાં આવી હતી.
પરશુરામ યુવા સંસ્થાન દ્વારા અભયભાઈના જન્મદિવસ નિમિત્તે નામી અને અનામી અગ્રણીઓ, સમાજના વિવિધ સ્તરના નેતાઓ, કાર્યકરો બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી હાજર રહ્યા હતા. અભયભાઈના જન્મદિવસ નિમિત્તે ઠેકઠેકાણેથી બ્રહ્મ અગ્રણીઓ, બ્રહ્મસમાજના કાર્યકર્તાઓ અને બ્રહ્મસમાજના રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સમારોહના અંત બાદ સર્વે ભૂદેવોએ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં સંતો અને ઉપસ્થિત મહેમાનો તેમજ બ્રહ્મ પરિવારોએ બ્રહ્મભોજન સાથે લઈ બ્રહ્મ ચોર્યાસી સમુ પુણ્ય પરશુરામ યુવા સંસ્થાને મેળવ્યું હતું. આ સમારોહને સફળ બનાવવા બ્રહ્મ સમાજના વિવિધ તડગોળના પ્રમુખ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ તથા પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહને સફળ બનાવનાર તમામ કાર્યકર્તાઓનો આ તકે પરશુરામ યુવા સંસ્થાન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.