માત્ર ફોટોસેશનમાં રસ ધરાવતા શાસકોને મંદિરના વિકાસમાં કોઈ જ રસ નથી
શ્રાવણ માસ શરૂ થતા જ ભક્તો ઉમટશે ત્યારે ક્યાં વાહન પાર્ક કરવું તેની સમસ્યા સર્જાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના ઢંઢેરામાં પણ જે યોજનાની વાતો વર્ષોથી થતી આવે છે તે સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિરના જીણોદ્ધારની યોજના તો કાગળમાંથી બહાર આવીને આગળ વધતી નથી. ત્યારે ઘણા સમય પહેલા રામનાથ મંદિરના પટાંગણમાં નવું પાર્કિંગ બનશે તેવી જાહેરાત કરી હતી જો કે, હાલ તેનું કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આજે ભક્તોનું મહેરામણ ઉમટશે. ભક્તોને ગાડી પાર્ક કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. દર વર્ષે રામનાથ મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ જામે છે અને ભયંકર ટ્રાફિક સર્જાય છે ત્યારે ફક્ત ફોટોસેશન કરાવતા તંત્રના શાસકોને મંદિરના વિકાસમાં કોઈ રસ જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે એક કે બે વખત ચૂંટાયેલા લોકો અને અધિકારીઓ રામનાથ મહાદેવ મંદિરની મુલાકાત લે છે. વીઆઈપીને પણ થોડીવાર સ્થળ પર વધુ સમય ઉભું રહેવું પડે તો નાક પર રૂમાલ રાખવો પડે તેવો અનુભવ થાય છે. પરંતુ અનેક કારણોથી મંદિર પરિસર વિકાસનું કામ આગળ ધપતું નથી.
- Advertisement -
ભાજપની ચાલુ ટર્મમાં પણ સાડા ચાર વર્ષથી મંદિરના વિકાસની વાતો કરવામાં આવી છે પરંતુ ડિસેમ્બરમાં વર્તમાન બોડીની ટર્મ પુરી થાય તે પહેલા આ કામ શરૂ થાય તો પણ ઘણું છે.