ભારતે ઓલિમ્પિકમાં 6 મેડલ જીત્યા જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ સામેલ, આજે પરત આવશે ભારતીય મેડલ વિજેતા, વિનેશ ફોગાટ અને નીરજ ચોપરા આજે નહીં આવે
મહત્વનું છે કે, પીઆર શ્રીજેશ અને મનુ ભાકર સમાપન સમારોહમાં ‘પરેડ ઓફ નેશન્સ’ માટે ભારતીય ધ્વજ ધારક હતા. આવી સ્થિતિમાં મનુ અને શ્રીજેશ સહિત અન્ય ભારતીય ખેલાડીઓ આજે (13 ઓગસ્ટ) પરત ફરી રહ્યા છે. શ્રીજેશ ઉપરાંત ભારત આવનાર ખેલાડીઓમાં હોકી સ્ટાર અમિત રોહિદાસ, રાજ કુમાર પાલ, અભિષેક, સુખજીત સિંહ, સંજય પણ સામેલ છે. જ્યારે બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ અમન સેહરાવત પણ ભારત પરત ફરશે.
- Advertisement -
વિનેશ, શ્રીજેશ અને મનુ પર વિશેષ ધ્યાન
આ તરફ પરત ફરનારા ખેલાડીઓમાં સ્ટાર રેસલર વિનેશ ફોગાટ, મનુ ભાકર અને હોકી ટીમના સ્ટાર ગોલકીપર પીઆર શ્રીજેશ પર વિશેષ ધ્યાન રહેશે. ખાસ કરીને વિનેશ કે જેમને સિલ્વર મેડલની ખાતરી હતી પરંતુ એક નિયમને કારણે તેના હાથમાંથી મેડલ છીનવાઈ ગયો. હવે વિનેશે CAS કોર્ટમાં કેસ દાખલ કર્યો છે જેની સુનાવણી લગભગ પૂરી થઈ ગઈ છે. હવે આ મામલે નિર્ણય આજે (13 ઓગસ્ટ) આવવાનો છે. જો નિર્ણય વિનેશની તરફેણમાં આવશે તો તે સંયુક્ત રીતે સિલ્વર મેડલ મેળવશે. જો વિરોધ આવશે તો તે ખાલી હાથે જ રહેશે. નોંધનિય છે કે, શ્રીજેશ અને વિનેશ માટે આ છેલ્લી ઓલિમ્પિક છે. તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ તરફ હવે વિનેશ બુધવારે (14 ઓગસ્ટ) ભારત પરત ફરી શકે છે.
નીરજ એક મહિના પછી ઘરે પરત ફરશે
- Advertisement -
નીરજ ચોપરા લગભગ એક મહિના પછી પોતાના ઘરે પરત ફરશે. નીરજ ચોપરા પેરિસથી સીધા જ જર્મની જવા રવાના થઈ ગયા છે. તબીબી સલાહ બાદ તે જર્મની ગયો છે. તમને જણાવી દઈએ કે, નીરજ હર્નિયાથી પીડિત છે. આવી સ્થિતિમાં મેડિકલ ચેકઅપના કારણે તેમને જર્મની જવા માટે કહેવામાં આવ્યું છે. જરૂર પડશે તો તેની સર્જરી પણ ત્યાં જ થશે. આ પછી નીરજ લગભગ એક મહિના સુધી જર્મનીમાં રહ્યા બાદ સ્વદેશ પરત ફરશે.
જાણો કઈ રીતે વિનેશ ફોગાટ મેડલ ચૂકી ગઈ ?
પેરિસ ઓલિમ્પિક દરમિયાન વિનેશે 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલની ખાતરી આપી હતી. પરંતુ મેડલ મેચ પહેલા તેને ગેરલાયક ઠેરવવામાં આવી કારણ કે તેનું વજન ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેચ પહેલા કરતા 100 ગ્રામ વધારે હતું. આ પછી વિનેશે CASમાં કેસ દાખલ કર્યો જેના પર આજે (13 ઓગસ્ટ) નિર્ણય આવવાનો છે. આવી સ્થિતિમાં વિનેશ ફોગટને હજુ પણ ન્યાય મળવાની આશા છે. જો નિર્ણય વિનેશની તરફેણમાં આવશે તો તેઓ સંયુક્ત રીતે સિલ્વર મેડલ મેળવશે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મેડલ
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં પહેલો મેડલ જીત્યો 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ. ત્યારબાદ મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી સ્વપ્નિલ કુસાલે મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. આ પછી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. જ્યારે કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ જીતીને છઠ્ઠો મેડલ મેળવ્યો હતો.