સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો વાલીઓ જોગ ખુલાસો
શાળા દ્વારા આપવામાં આવેલી માહિતીને ફકત સૂચન સમજવું, આદેશ નહીં: ડી. વી. મહેતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ માહિતી આપવામાં આવે છે કે પોતાના બાળકોના નોટબુક્સ, પાઠયપુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી, જ્યાંથી તેમને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો વાલીઓને માહિતી આપવાનો ઉદ્દેશ્ય શાળાના તમામ વિદ્યાર્થીઓમાં યુનિફોર્મમાં સાતત્ય જળવાઈ રહે, ખાસ કરીને યુનિફોર્મના કપડામાં, ડિઝાઈનમાં અને યુનિફોર્મ સિલાઈમાં સમાનતા રહે તે માટે આગ્રહ રાખવામાં આવતો હોય છે. સાથે દરેક શાળા જુદા જુદા પબ્લિકેશન્સની બુક અભ્યાસ ક્રમમાં ચલાવતી હોય છે ત્યારે વાલીઓને જુદી જુદી જગ્યાએ ધક્કા ન ખાવા પડે તે ઉદ્દેશ્યથી શાળાઓ દ્વારા વાલીઓને માહિતી આપવામાં આવતી હોય છે. આ કારણસર સ્વનિર્ભર શાળાઓ દ્વારા જે માહિતી આપવામાં આવે છે તેને વાલીઓ એક સૂચન તરીકે સમજે, આદેશ તરીકે નહીં તેવું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ તમામ વાલીઓને જાણ કરે છે.
વાલીઓ કોઈપણ જગ્યાએથી ઓછી કિંમતે અને સારી ગુણવત્તાવાળી નોટબુક, પાઠ્યપુસ્તક, સ્ટેશનરી કે યુનિફોર્મ મળે તો ખરીદી કરવાનો અધિકાર ધરાવે છે. વાલીઓ ઈ-કોમર્સનો પણ ઉપયોગ કરી અને ઓનલાઈન પણ જરૂરી વસ્તુઓ ખરીદી શકે છે. તમામ શાળાઓનો ઉદ્દેશ્ય વાલીઓની સગવડતા અને તેમના સમયની બચત સાથે શાળામાં સાતત્ય જળવાય રહે તેવો જ હોય છે એટલે આમ ફરી એક વખત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ખુલાસો કરે છે કે વાલીઓએ શાળાઓ દ્વારા આપવામાં આવેલ માહિતીને સૂચન સમજવું, આદેશ નહીં.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આપેલા વાલીઓ જોગ ખુલાસાને આવકારતા રોહિતસિંહ રાજપૂત
સ્કૂલ યુનિફોર્મ,બુક્સ અને સ્ટેશનરીને લગતી વસ્તુઓના ચોક્કસ સ્થળે પરથી ફરજ પાડવામાં વિવાદ મામલે કોંગ્રેસની આક્રમકતા સામે અંતે શાળા સંચાલકો ઝૂક્યા છે તે આવકારદાયક છે. સ્વરનિર્ભર શાળા સંચાલક મંડળએ આજે રાજકોટના વાલીઓને ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે વાલીઓ પોતાની મનપસંદ સ્થળેથી નોટબુક્સ,પાઠ્યપુસ્તકો,સ્ટેશનરી અને યુનિફોર્મ જેવી વસ્તુઓ પોતાની મનપસંદ જગ્યાએથી ખરીદી કરી શકે છે જે વાલીઓ માટે રાહતરૂપ સમાચાર છે અને આ બાબત આવકારદાયક પગલુ છે તેવુ કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ.તેઓએ વિશેષ જણાવ્યુ હતુ કે કોઈ શાળા હજુ પણ ચોક્કસ સ્થળ પરથી ખરીદી કરવાની ફરજ પાડશે તો અમે આવી સ્કૂલો પર હલ્લાબોલ નિચ્છિતપણે કરીશુ તેવુ વાલીગણને વિશ્વાસ અપાવ્યો હતો.