લૉકડાઉનમાં SNK સ્કૂલ બંધ હતી છતાં 30% ફી વધારે છે: વાલીઓનો આક્રોશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓમાં નવું સત્ર શરૂ થતાં પહેલાં સ્કૂલ ફીમાં વધારાનો મુદ્દો છેલ્લા ચાર દિવસથી ચર્ચાઇ રહ્યો છે. ખાસ કરી રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી રાજકોટની પ્રખ્યાત SNK સ્કૂલમાં ફી વધારાનો મુદ્દો ચર્ચામાં છે અને આજે વાલીઓ દ્વારા SNK ઓફિસ ખાતે રિવાઇઝ કરી મંજુર થયેલ ફી ઓર્ડર ફરીથી ચકાસવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જે માટે વાલીઓ દ્વારા અલગ અલગ 11 મુદ્દાઓની ફેર ચકાસણી કરવા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આજે FRC ઓફિસ ખાતે રજૂઆત કરવા આવેલા વાલીઓ પૈકી એક વાલી જયપાલસિંહ રાઠોડએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, SNK દ્વારા FRC સ્કૂલનો જે ફી વધારો મંજુર કરવામાં આવ્યો છે તેમાં કેટલાક મુદ્દાઓ અયોગ્ય છે જે બાબતે SNK દ્વારા ફરીથી યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી અમારી માંગ છે જેમાં 11 જેટલા મુદ્દાનો સમાવેશ થાય છે જે તમામ 11 મુદ્દા અમે SNK સમક્ષ લેખિત આપ્યા છે અને ફી વધારો યોગ્ય રીતે કરવામાં આવે તેવી અમારી તમામ વાલીઓની માંગ છે.
- Advertisement -
SNKના મેનેજમેન્ટ અને પેરેન્ટ્સ વચ્ચે મળેલી મિટિંગમાં ધમાલ: વાલીઓના કાંઠલા પકડાયા, પોલીસ બોલાવવી પડી!
એસએનકે સ્કૂલમાં ફીમાં કરાયેલા તોતીંગ વધારાના મામલે સ્કૂલ મેનેજમેન્ટ અને વાલીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં વાલીઓ તથા મેનેજમેન્ટની મળેલી મિટિંગમાં ધમાઇ થઇ પડી હતી. એક વાલીનો કાંઠલો પકડાયાની, ધક્કામૂકી કરી કાર કોર્ડન કરી લેવાયાની અને મામલો વધુ ઉગ્ર બનતા મેનેજમેન્ટ તથા વાલી તરફે પોલીસ બોલાવાઇ હોવાની પણ વાતો વહેતી થઈ છે. ફી વધારા અંગેના વિવાદ કે વાત ત્યારે વધુ વણસી હતી જ્યારે મિટિંગમાં મેનેજમેન્ટના એક મહત્વના કહી શકાય તે વ્યક્તિએ ગર્ભિત ધમકી આપતા કહ્યું હતું કે, ક્યાં વાલી ગ્રુપમાં શુ વાતો કરે છે? વિરોધ વ્યકત કરે છે? અમે ધારીએ તો એ વાલીના સંતાન પર સ્કૂલના ટીચરને કહીને વોચ રાખી રખાવી શકીએ. હજી આ સત્ર પુરું થવાના ત્રણ માસ બાકી છે તે ધ્યાન રાખજો. વગેરે કહ્યું હતું જેથી વાલીઓ વધુ રોષે ભરાયા હતા.
2-2 લાખ ફી લે તો પણ સ્કૂલ નુકસાનમાં?
NSUIના રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, શહેરની SNK સ્કૂલે 1 લાખ 90 હજારનો ફી વધારો માંગ્યો છે. આ સ્કૂલે એવા અનેક ખોટા ખર્ચ દેખાડ્યા છે. સોંગદનામા મુજબ એસએનકે સ્કૂલ દોઢ કરોડ રૂપિયા નુકસાનમાં જઈ રહી છે. 6 હજાર વિદ્યાર્થીઓની 2-2 લાખ ફી લે તોય કોઈ સ્કૂલ આવી રીતે ખોટમાં જાય ખરી? આ વાત ગળે ઉતરે એવી છે જ નહીં. સાથે જ આ ફીમાં વિદ્યાર્થીઓને કોઈપણ જાતનું ફ્રી ટ્રાન્સપોર્ટેશન આપવામાં આવતું નથી. કરોડોના અનેક ખોટા ખર્ચ દર્શાવી સરકારને ગેરમાર્ગે દોરી વાલીઓના ખિસ્સા પર ભારણ વધારવાનું કામ આ તમામ શાળા સંચાલકો અને FRC કરી રહી છે. આવી નીતિઓને કારણે વાલીઓ ઘણા હેરાન થઈ રહ્યા છે. તેઓએ આ અંગે સરકાર પાસે નિપક્ષ તપાસની માગણી કરતા જણાવ્યું હતું કે, ખાનગી સ્કૂલ સંચાલકો ફી બાબતે લગામ લાવે તે હવે જરૂરી છે. FRC કમિટીનું વિસર્જન કરી વાલીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ થવું જોઈએ, આમાં વાલીઓ ખૂબ પીસાઈ રહ્યા છે.