અલ્પેશ વાડોલિયા
સ્વિમિંગ ક્ષેત્રે છેલ્લા 10 વર્ષમાં 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ
- Advertisement -
‘નીતિ’ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર, આ સન્માન મેળવનાર રાજ્યની પ્રથમ પેરાસ્વિમર
આ પૃથ્વી પર જન્મ લેનાર તમામ બાળકોને કુદરત એક સમાન તક સાથે ધરતી પર મોકલે છે. વિકસવાની ભરપૂર સંભાવનાઓ, તકો તેની સિદ્ધિ, પ્રસિદ્ધિ અને આવડતની ખીલવણીના માધ્યમ બનતાં હોય છે, પરંતુ જ્યારે કુદરત કોઈ બાળકને ‘ખાસ બાળક’ તરીકે મોકલે ત્યારે તે બાળકને વિકસવાની અસાધારણ ક્ષમતા પણ અદ્રશ્યરૂપે ભેટ આપી જ દે છે. વર્ષ 2005માં તેજલબેન અને રાકેશભાઈ રાઠોડના ઘરે દિવ્યાંગ પુત્રી ‘નીતિ’નો જન્મ થયો. માતા-પિતાએ સમાજ કે દુનિયા શું કહેશે? તેવી વાતો પર ધ્યાન નહીં આપીને પોતાના ખાસ બાળક નીતિમાં રહેલી આંતરીકશક્તિને સમાજ અને દુનિયા સામે બહાર કઈ રીતે લાવી શકાય તે માટેના તમામ પ્રયાસો શરૂ કર્યા. સમય જતાં નીતિને સતત પાણી સાથે રમતી જોઈ અને પાણી પ્રત્યેના આકર્ષણનો પ્રભાવ જોઈ પુત્રી નીતિ સ્વિમિંગ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી શકે તેમ છે તેવો વિચાર આવ્યો. આ વિચારને અમલમાં મૂકવા માટે માતા તેજલબેન અને પિતા રાકેશભાઈ વર્ષ 2012માં રાજકોટના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ ખાતે સ્વિમિંગ કોચ વિપુલભાઈ ભટ્ટને રૂબરૂ મળ્યા અને પોતાનું ખાસ બાળક પણ સામાન્ય બાળકની જેમ સ્વિમિંગ કરી શકે તેવું કહેતાં વિપુલભાઈએ નીતિને સ્વિમિંગ શીખવવાનું શરૂ કર્યું. જ્યારે પ્રથમ વખત પુલમાં ડૂબકી મારી ત્યારે નીતિએ સ્વિમિંગ માટેનો સ્વાભાવિક લગાવ દર્શાવ્યો. તેનો સ્વિમિંગમાં પ્રવેશ વ્યક્તિગત પડકારોને પાર કરવા અને રમતને સશક્તિકરણના સાધન તરીકે અપનાવવાની ઈચ્છાથી પ્રેરિત છે.
અસંખ્ય પડકારોનો સામનો કરવા છતાં નીતિએ ક્યારેય તેની દિવ્યાંગતાને પોતાની ક્ષમતા સામે આવવા દીધી નથી તેના બદલે પાણીને તેના ક્ષેત્ર તરીકે સ્વીકાર્યુ જ્યાં તેને તેની સાચી ક્ષમતા દર્શાવી. નીતિની અવિરત તાલીમ અને સખત મહેનતે ટૂંક સમયમાં જ સફળતા અપાવી. આ સફળતા એટલે રાજકોટથી શરૂ કરેલી સ્વિમિંગ ક્ષેત્રની સફરને રાષ્ટ્રીય સ્પર્ધા એટલે કે દેશમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું. નીતિની સિદ્ધિઓ તેની મહેનત, ધીરજ અને સ્વિમિંગ પ્રત્યેના જુસ્સાનો પુરાવો છે. તેણે માત્ર તેની રમતમાં જ પ્રગતિ કરી નથી, પરંતુ તે દિવ્યાંગ બાળક માટે એક ઉદાહરણરૂપ ‘પેરા સ્વિમર’ બની છે. સ્વિમિંગ ક્ષેત્રની દરેક સ્પર્ધામાં નીતિએ સાબિત કરી દીધું કે દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ પણ રમત-ગમતમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે. નીતિ સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં એકમાત્ર એસ-14 કેટેગરીમાં પેરા-સ્વિમર છે. રાષ્ટ્રીય સ્તરે પોતાની આવડત અને મહેનતથી ગુજરાત અને રાજકોટને ગૌરવ અપાવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા દેશના શ્રેષ્ઠ દિવ્યાંગજનને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવા 3 ડિસેમ્બરે દિલ્હી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નીતિ રાઠોડ સમગ્ર ગુજરાત રાજ્યના સૌથી નાની વયની દિવ્યાંગ આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ પેરા સ્વિમર છે. કોઈપણ દિવ્યાંગજન માટે આ બહુ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.
- Advertisement -
નીતિએ હાંસલ કરેલી સિદ્ધિઓ…
(1) વર્ષ 2015: સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાતની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો. ઈવેન્ટ: ફ્રી સ્ટાઈલ 25 મીટર અને 50 મીટર- રાજકોટમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
(2) વર્ષ 2015: સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાતની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો. સ્થળ: આણંદ, ઈવેન્ટ: ફ્રી સ્ટાઈલ 25 મીટર પ્રથમ સ્થાન, ઈવેન્ટ: ફ્રી સ્ટાઈલ 50 મીટર પ્રથમ સ્થાન.
(3) વર્ષ 2018: રોટરી ક્લબ ઓફ ચિંચવડ પૂણે અને (સ્પેશિયલ ઓલિમ્પિક ભારત) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો. સ્થળ: ચિંચવડ, પૂણે. ઈવેન્ટ: ફ્રી સ્ટાઈલ 50 મીટર પ્રથમ સ્થાન મેળવ્યું (ગોલ્ડ મેડલ), ઈવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ 50 મીટર-ત્રીજું સ્થાન મેળવ્યું (બ્રોન્ઝ મેડલ)
(4) વર્ષ 2019: ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની સ્પર્ધા રાજકોટ જિલ્લો: સ્થળ: રાજકોટ, ઈવેન્ટ: ફ્રી સ્ટાઈલ 100 મીટર- દ્વિતીય સ્થાન મેળવ્યું, ઈવેન્ટ: બટરફ્લાય 100 મીટર- દ્વિતીય સ્થાન મેળવ્યું, ઈવેન્ટ: બેકસ્ટ્રોક 100 મીટર: દ્વિતીય સ્થાન મેળવ્યું.
(5) વર્ષ 2022- XXI- રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સ્પર્ધા આયોજિત પેરા ઓલિમ્પિક સમિતિ ઓફ ઈન્ડિયા: સ્થળ: ઉદયપુર રાજસ્થાન, ઈવેન્ટ: બેકસ્ટ્રોક સ્ટાઈલ 100 મીટર- દ્વિતીય સ્થાન મેળવ્યું (સિલ્વર મેડલ), ઈવેન્ટ: બટરફ્લાય 100 મીટર: પ્રથમ સ્થાન મેળવ્યું (ગોલ્ડમેડલ)
(6) વર્ષ 2022: આંતરરાષ્ટ્રીય કક્ષાની (Special Olympic Bharat) સ્પર્ધા માટે પસંદગી. વર્ષ: 2022 15મી ઓગસ્ટ 2022 ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા જીતુ વાઘાણી (શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય) અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સન્માન પત્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા.
(7) વર્ષ 2023- XXII- રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સ્પર્ધા આયોજિત ભારતની પેરા ઓલિમ્પિક સમિતિ સ્થળ: ગૌહાટી, આસામ, ઈવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ 100 મીટર- પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ), ઈવેન્ટ: ફ્રી સ્ટાઈલ 200 મીટર- દ્વિતીય સ્થાન (સિલ્વર મેડલ), ઈવેન્ટ: વ્યક્તિગત મીડલે (IM) શૈલી 200 મીટર- પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ)
(8) વર્ષ 2023: 26મી જાન્યુઆરી 2023- ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા ધોરાજી ખાતે જિલ્લા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં શ્રી શંકરસિંહ ચૌધરી- (વિધાનસભા અધ્યક્ષ- ગુજરાત રાજ્ય) અને અન્ય મહાનુભાવો હાજરીની સન્માન પત્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા.
(9) વર્ષ 2024- XXIII – રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સ્પર્ધા આયોજિત ભારતની પેરા ઓલિમ્પિક સમિતિ સ્થળ: ગ્વાલિયર, મધ્યપ્રદેશ, ઈવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ 100 મીટર- દ્વિતીય સ્થાન (સિલ્વર મેડલ)
(10) વર્ષ 2024: 15મી ઓગસ્ટ 2024 ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા લોધિકા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા કલેકટર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સન્માન પત્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા.
(11) વર્ષ 2024- XXIV રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સ્પર્ધા આયોજિત ભારતની પેરા ઓલિમ્પિક સમિતિ સ્થળ: પણજી, ગોવા. ઈવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ 100 મીટર પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ), ફ્રી સ્ટાઈલ 100 મીટર દ્વિતીય સ્થાન (સિલ્વર મેડલ)
(12) વર્ષ 2024- સાઈવસ ઈન્ડિયા ઓપન રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધા-2024 સ્થળ: ચેન્નઈ, તમિલનાડુ. ઈવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ 200 મીટર- પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ), ફ્રી સ્ટાઈલ 200 મીટર- પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ)
નીતિ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવા તૈયાર
રાષ્ટ્રીય સ્તરે સ્વિમિંગ ક્ષેત્રે મેળવેલી અનેક સિદ્ધિ બાદ હવે નીતિએ આંતરરાષ્ટ્રીય સ્તરે જવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે તાજેતરમાં જ ચેન્નઈ ખાતે ટ્રાયલ સિલેકશન યોજાયું હતું જેમાં બંને ઈવેન્ટ બટરફ્લાય સ્ટાઈલ અને ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ઠ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ‘નીતિ’ તૈયાર છે.
દિલ્હીમાં પુરસ્કાર મેળવી રાજકોટની ‘નીતિ’એ ગુજરાતને ગૌરવાન્વિત કર્યું
27 વર્ષથી દિવ્યાંગ બાળકોને તરણકળા શીખડાવવાનો સેવાયજ્ઞ કરતાં વિપુલ ભટ્ટ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના કાલાવડ રોડ સ્થિત મહર્ષિ દયાનંદ સ્વિમિંગ પુલના સંચાલક વિપુલ નરેન્દ્રભાઈ ભટ્ટ છેલ્લાં 34 વર્ષથી ફરજ બજાવે છે. વર્ષ 2007-08થી વિપુલભાઈએ એક સેવાયજ્ઞ ચાલુ કર્યો. જેમાં દિવ્યાંગ બાળકોને તરણકળામાં નિપુણ બનાવી માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સિદ્ધિ મેળવે તેવું પ્રેરણારૂપ કાર્ય શરૂ કર્યું. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દિવ્યાંગ બાળકોને તરણકળા શીખવાડનાર એકમાત્ર કોચ વિપુલભાઈએ અનેક બાળકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ અપાવવામાં મહત્ત્વનો અને અમૂલ્ય ફાળો આપ્યો છે. હાલ 250થી વધુ બાળકો વિપુલભાઈ પાસે તરણકળા મેળવે છે. તેમની નીચે તૈયાર થયેલા અનેક તરવૈયાઓ ગુજરાત સરકારમાં સારા હોદ્દા પર ફરજ બજાવે છે અને અમુક તરવૈયાઓ રાજકોટ મનપા સંચાલિત સ્નાનાગારમાં કોચ તરીકે હાલ ફરજ બજાવે છે.
વર્ષ 2010માં એક મંત્ર હરખાણી નામનો બાળક આવ્યો જે ઓટીઝમ સિન્ડ્રોમથી પીડિત છે. બધાં બાળકોની સાથે મંત્રને પણ તાલીમ આપવાનું શરૂ કર્યું અને તે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી. વર્ષ 2010માં યુ.એ.ઈ. (અબુધાબી) ખાતે યોજાયેલા પેરા ઓલિમ્પિક માટે ભારતમાંથી રાજકોટના એકમાત્ર દિવ્યાંગ તરવૈયા મંત્રની પસંદગી થઈ. કોચ વિપુલભાઈ ભટ્ટ અને મંત્રની અથાગ મહેનતથી 50 મીટર ફ્રી સ્ટાઈલ અને 50 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ મેળવી મંત્રએ વિશ્ર્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રને પ્રધાનમંત્રી બાળ પ્રતિભા પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. ત્યાર બાદ ફરી એક દિવ્યાંગ બાળકને વિપુલભાઈએ તાલીમ આપવાનું શરૂ કર્યું અને તે ‘નીતિ’ પણ ડાઉન્સ સિન્ડ્રોમથી પીડિત છે. નીતિએ જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું. વર્ષ 2022માં ગુજરાત સરકારે તેમનું સન્માન કર્યું ત્યાર બાદ નીતિએ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી ગુજરાત અને રાજકોટનું ગૌરવ વધાર્યું. ભારત સરકાર દ્વારા દિવ્યાંગ દીકરી નીતિને વર્ષ 2024માં રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી અને નીતિ અને કોચ વિપુલભાઈ ભટ્ટ 3 ડિસેમ્બરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો હતો.