ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
આજે પરસોતમ રૂપાલાએ મહિલાઓ સાથે બેસી ભોજન કર્યું હતું. જેનાથી રૂપાલાની નવી જ રાજનીતિ જોવા મળી રહી છે. દિલ્હીથી આવ્યા બાદ રૂપાલામાં ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે અને આથી હવે ભાજપ દ્વારા રૂપાલાને હટાવવામાં આવશે તેવી વાતો હવે ઓછી ચર્ચાઈ રહી છે. જોકે રૂપાલા સાથે ક્ષત્રિય સમાજના ભાજપના કોઈ જ નેતા જોવા મળ્યા નહોતા. આ તકે રૂપાલાએ જણાવ્યું હતું કે, આજે દરેક જગ્યાએ મહિલાઓ આગળ છે અને આ સ્વાવલંબી યોજના પહેલા ભાઈઓ માટે પણ હતી. પરંતુ બાદમાં આ યોજનાનો લાભ મોટાભાગની બહેનોએ લેતા હવે આ યોજનામાં માત્ર બહેનો જ રહી છે.
- Advertisement -
આ તકે તેમણે બહેનો સાથે બેસી ટિફિન બેઠક કરી હતી અને તેમની સાથે નીચે બેસી ભોજન કર્યુ હતુ. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ધારાસભ્ય હતો ત્યારથી ટિફિન બેઠક કરતો હતો અને આજે અહીં સ્વાવલંબી આત્મનિર્ભર મહિલા મિલનમાં આવવાનો મોકો મળ્યો. જેમાં મહિલાઓ સાથે સંવાદ કર્યો અને તેમની સાથે ભોજન કર્યું. અહીં રાજકોટ લોકસભાના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને ધારાસભ્ય દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનાબેન જોષીપુરા સહિતની મહિલાઓએ રૂપાલાને જીત માટે આશીર્વાદ આપ્યા હતા.