આર્મ ફોર્સિસને ફક્ત હરક્યુલિસ જેવા બાહુબળશાળી વ્યક્તિની કે ફક્ત ટેબલ પર બેસીને મગજ દોડાવનાર આઇન્સ્ટાઈનની જરૂર નથી. તેમને જોઇએ છે, એવા જવાન અને અધિકારી, જેમનામાં નેતૃત્વ ઉપરાંત સમય આવ્યે શારીરિક તાકતનો પરચો બતાવી શકવાની પણ ક્ષમતા હોય!
“૧૯૬૨ની જંગ ભારતે અમુક પ્રકારે વેઠેલી કારમી હાર જ હતી. એ પછી NCCના જ એક નવા યુનિટ ‘NCC રાઇફલ્સ’માં કેડેટ્સને રાઇફલ્સ પર ટ્રેનિંગ આપી શકાય એ માટેનાં પ્રયત્નો શરૂ થયા. મારા પિતા એમાં કેડેટ હતાં, એટલે સ્વાભાવિક રીતે જ એન.સી.સી. અંગે ખાસ્સી વાતો સાંભળી હોય. નક્કી હતું કે
એન.સી.સી. તો રાખવું જ છે!” : નિવૃત કેપ્ટન જયદેવ જોશી
- Advertisement -
પરખ ભટ્ટ
“યુદ્ધ એ કલ્યાણ નથી, પરંતુ પાકિસ્તાની નિર્દોષ નાગરિકોને હાનિ પહોંચાડ્યા વગર ત્યાં ઉછરી રહેલા આતંકવાદનો ખાત્મો એ જ આપણું એકમાત્ર ધ્યેય હોવું જોઇએ. રાજકીય ઇચ્છાશક્તિ વગર આ અશક્ય છે!” શબ્દો છે, નિવૃત કેપ્ટન જયદેવ જોશીનાં! ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવવાનો એમનો અનુભવ અને ત્યાં સુધી પહોંચવા સુધીની સફર અંગે ‘ખાસ ખબર’ દ્વારા કેટલીક ‘ખાસ-મ-ખાસ’ વાત કરવામાં આવી.
એમનાં યુવા સમયની વાત કરીએ તો, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએશનની સાથોસાથ એન.સી.સી. પણ થઈ શકે એ પ્રકારે અભ્યાસ ચાલુ રાખ્યો. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧નાં ગોઝારા દિવસ બાદ ભુજ, ભચાઉ વિસ્તારોમાં પોતાની બટાલિયન સાથે એમણે રાહત કામગીરી પણ કરી. ત્યારબાદ તો ભારતનાં આઠ પસંદગી પામેલ યુવાનોમાંના એક જયદેવ જોશીને યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં સિંગાપોર જવાની તક સાંપડી. સૌથી મહત્વનો ટર્નિંગ પોઇન્ટ બન્યો : આઇ.એમ.એ (ઇન્ડિયન મિલિટરી અકેડમી)! દેહરાદુન ખાતે આવેલી આ ઇન્સ્ટિટ્યુટમાં ‘આર્મી અટેચમેન્ટ’ કેમ્પનું આયોજન થાય છે. જેમાં એન.સી.સી. કેડેટ્સને ત્યાંના આર્મી કેડેટ્સની દિનચર્યા અને કામની હુબહુ એ જ પ્રમાણે ટ્રેનિંગ લઈને પરત ફરવાનું! એ ૧૫ દિવસોની અંદર આર્મી ઓફિસર બનવા માટે કેવી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે એ શીખવા મળ્યું.
- Advertisement -
બીજા વિશ્વયુદ્ધ સમયે અમેરિકન ઓફિસરોને આર્મ ફોર્સની તાતી જરૂરિયાત ઉભી થઈ અને રાતોરાત એમને ભરતી કરવા તો શક્ય જ નહોતાં. કોઇ ખોટા વ્યક્તિની ભરતી ન થઈ જાય અને સાતત્યપૂર્ણ કેન્ડિડેટ રહી ન જાય એ કારણોસર ‘સર્વિસીસ સિલેક્શન બોર્ડ’ની આખી નવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી, જેમનું કામ દેશનાં ઉત્સાહી યુવાનોને તાલીમબદ્ધ કર્યા બાદ સૈન્યમાં સામેલ કરવાનું હતું!
કેપ્ટન જયદેવ જોશીએ પણ એન.સી.સી.ની સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ એસ.એસ.બી. (સર્વિસીસ સિલેક્શન બોર્ડ)નો ઇન્ટરવ્યુ આપ્યો, જે સામાન્યતઃ યુપીએસસીની પરીક્ષા પછી અપાતો હોય છે. સારા મેરિટ સાથે ટેસ્ટ ક્લિયર તો કર્યો પરંતુ માસ્ટર્સનું ભણવાની ઇચ્છા પણ બળવત્તર બની રહી હતી. મુખ્ય કારણ એ કે, માસ્ટર્સની ડિગ્રીને લીધે આર્મી ઓફિસર બનવા સુધીની સફર પ્રમાણમાં થોડીક સરળ થઈ જાય છે. નડિયાદની કોલેજમાં માસ્ટર્સ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ફરી એકવાર ‘સર્વિસીસ સિલેક્શન બોર્ડ’નો ઇન્ટરવ્યુ પાસ કર્યો. ચેન્નઈ ખાતે આવેલી ‘ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી’માં તેમણે ૧૧ મહિનાની તાલીમ લીધી. ૨૭૨ કેડેટ્સમાંથી ૧૭માં ક્રમાંક સાથે જયદેવ જોશીએ પોતાની ઓફિસર ટ્રેનિંગ પણ પૂરી કરી. રેજિમેન્ટ ઓફ આર્ટિલેરી વોઝ ધ ફર્સ્ટ એન્ડ ધ નેચરલ ચોઇસ! સારા મેરિટને લીધે જયદેવ જોશીને એ રેજિમેન્ટ મળી પણ ખરા!
૨૦૦૫માં તેમને રેજિમેન્ટ ઓફ આર્ટિલેરીમાં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પાંચ વર્ષ પછી તેમણે સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારી. આજે તેઓ પૂર્વસૈનિકોનાં પરિવાર તેમજ તેમનાં બાળકો માટે વિશેષ કામગીરી કરી રહ્યા છે. સૈન્યની કલ્યાણકારી કામગીરીનાં સદસ્ય બનાવવાની કામગીરીથી માંડીને પૂર્વસૈનિકોને મળવા જોઇતાં તમામ હક-હિતો માટે તેઓ સેવા આપી રહ્યા છે. રાજકોટ જેવા નોન-મિલિટરી સ્ટેશનમાં પૂર્વસૈનિકો માટે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા ફાયનાન્સ્ડ એક મેડિકલ હેલ્થ યુનિટ (ઇ.સી.એચ.એસ. : એક્સ-સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કિમ) શરૂ કરવામાં આવ્યું. જેનાં સ્થાપક, ઓફિસર-ઇન-ચાર્જ તરીકે તેમણે કામગીરી બજાવી.
ભારતીય આર્મ ફોર્સમાં ભરતી થવા માટે કેટકેટલી વિષમ પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે, એ અંગે વાતચીત આગળ વધારતા તેઓ કહે છે કે, આર્મી, નેવી અને એરફોર્સમાં મુખ્યત્વે બે એન્ટ્રી પોઇન્ટ્સ છે. જવાન તરીકે ભરતી થનાર ગ્રુપ અને અધિકારી તરીકે ભરતી થનાર ગ્રુપની પ્રવેશ પદ્ધતિ અલગ-અલગ હોય છે. અધિકારી તરીકે ભરતી થવાનો એ મતલબ બિલકુલ નથી કે વ્યક્તિ ડેસ્ક-જોબ કરે! કોઇ ક્યુબિકલ કે પછી ૯ થી ૫ની સમયમર્યાદાનું કોઇ જ બંધન અહીં લાગુ નથી પડતું. જવાનો પોતાનાં ઓફિસર માટે જીવ દેવા તૈયાર હોય છે, પ્રમાણમાં થોડી વધુ પડતી મુશ્કેલ પ્રવેશપરીક્ષામાં ઉતીર્ણ થયા છો ફક્ત એ કારણોસર જ તમે અધિકારી છો. સ્પર્ધાનાં ભાવથી નહીં, પરંતુ નેતૃત્વની જવાબદારી હેઠળ દરેક અધિકારી પોતાનાં જવાનો કરતાં હંમેશા એક કદમ આગળ રહેવા માટે સતત મહેનત કરે છે.
જવાન તરીકે ભરતી થવા માટેની લાયકાત વિશે વાત કરીએ તો, પ્રવેશ મેળવવા ઇચ્છુક વ્યક્તિ ધોરણ ૧૦ કે ૧૨ પાસ હોઇ શકે. અમુક પ્રકારની ભરતીમાં ગ્રેજ્યુએશન પણ જરૂરી છે. ૧૯ વર્ષથી ૨૩-૨૪ વર્ષ સુધીની વય ધરાવતાં યુવાનો ભરતી થવા માટે અપ્લાય કરી શકે છે. ‘આર્મી રીક્રુટ ઓફિસ’ દ્વારા સૌપ્રથમ ફિઝિકલ સ્ટાન્ડર્ડ્ઝ (ઉંચાઈ, વજન વગેરે), ગ્રાઉન્ડ ટેસ્ટ, લિખિત પરીક્ષા ગોઠવવામાં આવે છે. અને ત્યારબાદ મેરિટમાં આવનાર ક્રમાંક પ્રમાણે તમે જવાન તરીકે ભરતી થઈ શકો. દેશનાં અલગ-અલગ રાજ્યો પ્રમાણે ઉંચાઈ અને વજનની મર્યાદા જુદી જુદી રાખવામાં આવી છે. સપાટ પગ (ફ્લેટ ફીટ) કે પછી અંદરની બાજુથી અડતાં ઘૂંટણ (નોક નીઝ) એ ઘણી વખત રીજેક્શનનું કારણ બને છે. આવા પ્રકારનાં અમુક ફિઝિકલ સ્ટાન્ડર્ડ્ઝમાંથી પસાર થયા બાદ વારો આવે છે, ગ્રાઉન્ડ ટેસ્ટનો! ૧૬૦૦ મીટરની દોડ અગર જવાન ૯ મિનિટની સમયમર્યાદામાં પૂરી કરી લે છે તો તેને આગળનાં રાઉન્ડ્સ માટે ક્વોલિફાય ગણી લેવામાં આવે છે.
ચીન અપ્સ, ટૉ-ટચ, વર્ટિકલ રોપ, હોરિઝોન્ટલ રોપ, ટચ ડાઉન જેવી અન્ય ગ્રાઉન્ડ ટેસ્ટ પસાર કર્યા પછી જનરલ નોલેજ, જનરલ એબિલિટી, લોજીકલ રીઝનિંગની એક લિખિત પરીક્ષા ગોઠવાય છે. તમામ પ્રવેશ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ‘આર્મી રીક્રુટ ઓફિસ’ એક મેરિટ લિસ્ટ બહાર પાડીને ભરતી પામેલ જવાનોની યાદી જાહેર કરે છે. અંતે, ત્રણ દિવસનાં સઘન મેડિકલ ચેક-અપ બાદ ફાઇનલ લિસ્ટ જાહેર થાય છે. ત્યારબાદ જે-તે રેજિમેન્ટમાં ભરતી થવા માંગતા યુવાનો રેજિમેન્ટલ ઓફિસમાં જઈને ત્યાં ૧૧ મહિનાથી શરૂ કરીને દોઢ વર્ષ સુધીની તાલીમ લે છે.
હવે વાત કરીએ, અધિકારીનાં સિલેક્શન પ્રોસેસની! કોઇ પણ વ્યક્તિને અધિકારીનાં પદ સુધી પહોંચવા માટે ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે. યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની લિખિત પરીક્ષા આપવાની હોય છે. એનસીસી કેડેટને અહીં વિશેષ ફાયદો થાય છે. પરીક્ષામાંથી પાસ થયા બાદ સર્વિસ સિલેક્શન બોર્ડ (એસ.એસ.બી) ઇન્ટરવ્યુનો કોલ-લેટર મોકલવામાં આવે છે. પાંચ દિવસ ચાલનારા આ ઇન્ટરવ્યુમાં વ્યક્તિ ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. (૧) સ્ક્રીનિંગ (૨) જનરલ એબિલિટી ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન, પિક્ચર પરસેપ્શન ટેસ્ટ (૩) ગ્રુપ-ટાસ્ક ઓફિસર દ્વારા ૮-૧૦ ટેસ્ટ ગોઠવાય છે, જે મોટેભાગે ગ્રાઉન્ડ પર હોય છે. ફિઝિકલ એબિલિટી પર આ ટેસ્ટ આધાર રાખે છે. એ ઉપરાંત, સાયકોલોજી ટેસ્ટ તો ખરા જ! જેમાં ફક્ત એક રૂમમાં બેસાડીને વિવિધ ટેસ્ટ લેવામાં આવે છે. ત્યારબાદ વન-ઓન-વન બંધ બારણે એક ઇન્ટરવ્યુ ગોઠવાય છે. એ પૂર્ણ થયા પછી કોન્ફરન્સમાં વ્યક્તિ સાથે સીધી પ્રશ્નોત્તરી ગોઠવાય છે.
ફૌજમાં ગુજરાતીઓ ઓછા જોવા મળે છે, તેની પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે :
(૧) યુદ્ધકલાની દ્રષ્ટિએ અથવા ૧૮૫૭નાં સ્વતંત્રતા સંગ્રામની વાત કરીએ તો, હાથમાં હથિયાર લઈને મેદાનમાં કૂદી પડનાર યોદ્ધાઓમા ગુજરાતીઓ કેટલા? એ સવાલ બહુ અગત્યનો છે. હથિયાર ઉપાડવા એ ગુજરાતીઓનાં ડીએનએમાં જ નથી.
(૨) ઉપરોક્ત કારણને લીધે સ્વાભાવિક રીતે આર્મ-ફોર્સમાં જવા માટેનાં અભિગમની ખામી જોવા મળે છે.
(૩) જેને કારણે કરિયર ઓપ્શન તરીકે આર્મ-ફોર્સમાં જવાની વાતને આપણે ત્યાં અવગણના પ્રાપ્ત થઈ છે.
(૪) રાષ્ટ્રિયતા સાથે વરીને, આર્થિક લોભને ધ્યાનમાં ન રાખીને આર્મ-ફોર્સિસમાં જવું જોઇએ એ પ્રકારની વિચારધારાને ફક્ત છેલ્લી ત્રણ-ચાર પેઢી તરફથી જ આવકાર મળવાનું શરૂ થયું છે. ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ હબ હોવાને લીધે અહીંના યુવાનોએ સ્વાભાવિક રીતે એ દિશામાં વિચારવાનું ઓછું કરી દીધું છે.