રોગ-કીટકોને નાથવા નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ખાટી છાસ અને સૂંઠાસ્ત્રનો છંટકાવ કરવો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું સતત માર્ગદર્શન મળી રહે અને પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પપૈયાના વાવેતર તથા તેના ઉછેર અંગે અહીં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પપૈયાનું વાવેતર બીજ દ્વારા થાય છે. તેના માટે ઉત્તમ જાતના પપૈયા ખરીદીને એના બીજ કાઢીને વાવવા. આ માટે જમીનની ખેડ/ખેતી કાર્યો કર્યા પછી ખેતઓજારો દ્વારા વાવેતર સ્થળથી બે ફૂટ દૂર ધોરિયા કરવા, આઠ ફૂટમાં ચાર ધોરિયા/નીકપાળો આવી જશે. પ્રથમ નીકમાં આઠ અથવા જે અંતર નક્કી કરેલ હોય તે જ અંતરે બીજ/રોપ વાવવા. બે હાર વચ્ચે સરગવાનું વાવેતર કરવું અને પપૈયાથી આઠ ફૂટ દૂર કરવામાં આવેલ નીકમાં તુવેરનું વાવેતર કરવું.
- Advertisement -
પપૈયાની એક હારમાં સરગવો અને બીજી હારમાં તુવેર ક્રમશ: વાવવું. દ્વિતીય અને ચોથી પપૈયાની હારમાં ચોળી, મરચી અને ગલગોટા વાવવા. પપૈયાની ત્રીજી હારમાં તમામ પ્રકારના વેલાવાળા શાકભાજી વાવવા. એ જ પ્રમાણે આખા પ્લોટ/જમીનમાં ક્રમશ: વાવેતર કરવું. જે સ્થળે બીજ અથવા રોપનું વાવેતર કરવાનું હોય, તે જગ્યાએથી ચાર ભાગ માટી, બે ભાગ ગળોતીયું છાણિયું ખાતર અને એક ભાગ ઘનજીવામૃત ભેળવીને થોડા થોડા સરખા પ્રમાણમાં આપવું.
છોડની પાસેની માટીમાં એક મહિનામાં બે વખત જીવામૃત આપવું. આ સાથે પપૈયા તેમજ આંતર પાકો પર પણ જીવામૃતનો એક મહિનામાં બે વાર છંટકાવ કરવો.સ્ફુરણના એક મહિના પછી 100 લીટર પાણી + 5 લીટર જીવામૃત, સ્ફુરણના બે મહિના પછી 100 લીટર પાણી + 7 લીટર જીવામૃત, સ્ફુરણના ત્રણ મહિના પછી 100 લીટર પાણી + 10 લીટર જીવામૃત, આ પછી ફાલ આવતા પહેલા 100 લીટર પાણી +10 લીટર જીવામૃત, ફળ આવ્યા પછી 100 લીટર પાણી + 3 લીટર ખાટી છાશ, ફળ આવ્યાના 15 દિવસ પછી 100 લીટર પાણી + 1 લીટર નાળિયેરનું પાણી, છેવટે 15 દિવસના અંતરે 100 લીટર પાણી + 1 લીટર, છેલ્લે નાળિયેરનું પાણીનો છંટકાવ કરવો.
બે પપૈયાની હાર વચ્ચે જે ધોરીયા છે તેના બંને બાજુએ આચ્છાદન કરવું, જેના માટે આંતરપાક જ સજીવ આચ્છાદન બની જમીન પર ઢંકાઈ જશે. જ્યારે પપૈયામાં રોગ અને કીટકો આવે તો આ સમસ્યાના નિવારણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, ખાટી છાસ, અને સૂંઠાસ્ત્રનો છંટકાવ જરૂર કરવો. આયુર્વેદ અનુસાર પેટને લગતી બીમારીઓમાં પપૈયું ફાયદાકારક છે. પપૈયામાં અનેક મીનરલ્સ અને વિટામીન હોય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ એવું પપૈયું શરીરને ડિટોક્સ કરે છે. આમ, પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા પપૈયા અનેક રીતે શરીરને ફાયદો પહોંચાડે છે.