સસ્પેન્ડ કરાવી નાખીશું, એવોર્ડ પાછો ખેંચી લઈશું!
શાળા નં. 93ના મહિલા આચાર્યને શાળામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆત કરવી ભારે પડી
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઈતિહાસમાં કિરીટ પાઠક બાદ સૌથી મોટા કૌભાંડો આચરનારા ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી લાજવાને બદલે ગાજવા લાગ્યા છે. હાલમાં રાજકોટ શિક્ષણ સમિતિની શાળા નં. 93માં પીવાના પાણી અને સેનિટેશન જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તા. 20/9/22ના રોજ આ શાળાના આચાર્યએ રાજકોટ શિક્ષણ સમિતિના સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરી હતી જે રજૂઆત કરવી મહિલા આચાર્યને ભારે પડી છે. મહિલા આચાર્યની શાળા નં.93માં પ્રાથમિક સુવિધાના અભાવ અંગેની રજૂઆતને આધારે તે શાળામાં પીવાના પાણી અને સંડાસ-બાથરૂમની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની જગ્યાએ જવાબદાર સત્તાધીશ ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે શાળા નં.93ના મહિલા આચાર્યને ગત શનિવારે બપોરે પોતાની કેબિનમાં બોલાવીને ધાકધમકી આપી હતી.
અતુલ પંડિત અને કિરીટ પરમારે શાળા નં.93ના મહિલા આચાર્યને ગત શનિવારે બપોરે પોતાની કેબિનમાં બોલાવી ખૂબ જ ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે, મીડિયામાં જવા બદલ અમે તમને સસ્પેન્ડ કરાવી નાખીશું, તમારો રાષ્ટ્રપતિ એવોર્ડ પાછો ખેંચી લઈશું. આ માટેની કાર્યવાહી પણ અમે શરૂ કરી દીધી છે. સતત એક કલાક જેટલા શાળા નં.93ના મહિલા આચાર્યને ડરાવ્યા-ધમકાવ્યા બાદ પંડિત-પરમારે ઓવર કોન્ફિડન્સથી જણાવ્યું હતું કે, અમારો વાળ પણ વાંકો નહીં થાય, જે અમારું કહ્યું નહીં માને તેની પર શિસ્તભંગના પગલાં લઈ સસ્પેન્ડ કરાવીશું.
દિનેશ સદાદિયા પર પગલાં લેવાને બદલે મહિલા આચાર્ય પર કાર્યવાહી કરી!
રાજકોટ શિક્ષણ સમિતિમાં આવેલી શાળા નં.93ના મહિલા આચાર્યને માનસિક, શારીરિક, આર્થિક હેરાનગતિ જેને કારણે થઈ છે તેવા દિનેશ સદાદિયા પર શિક્ષાત્મક પગલાં લેવાના બદલે પંડિત અને પરમાર દ્વારા મહિલા આચાર્ય પર કાર્યવાહી કરવામાં આવી છે. અતુલ પંડિત અને કિરીટ પરમાર પોતાના અંગત દિનેશ સદાદિયાને છાવરી રહ્યા છે. શાળા નં.93માં આવી દિનેશ સદાદિયાએ મહિલા આચાર્યને અપશબ્દો કહ્યા હતા આ મામલે કેળવણી નિરીક્ષક દ્વારા તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ પોતાના સાથદાર દિનેશ સદાદિયા પર કડક કાર્યવાહી કરવાને બદલે પંડિત-પરમાર દ્વારા નિર્દોષ મહિલા આચાર્યને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે.
- Advertisement -
પંડિત-પરમારનો ઓવર કોન્ફિડન્સ: અમારો વાળ પણ વાંકો નહીં થાય, જે અમારું કહ્યું નહીં માને તેનાં પર શિસ્તભંગનાં પગલાં ભરી સસ્પેન્ડ કરીશું
શાળા નં.93માં પીવાના પાણી અને સેનિટેશનની કોઈ સુવિધા જ નથી!
અને હા, અમે જઈશું તો બીજા પાંચ-પંદરને પણ લેતા જઈશું. આટલું ઓછું હોય તેમ અતુલ પંડિત અને કિરીટ પરમારે શાળા નં.93ના મહિલા આચાર્યને કહ્યું હતું કે, અમો તમારી એકપણ રજૂઆત પૂરી નહીં કરીએ, શાળા તમારા બાપુજીની નથી, સમિતિની છે એટલે સમિતિ કહેશે તેમ જ થશે અને શાળા નં.93 ખાનગી સંસ્થાને દત્તક આપ્યાનો એમઓયુ પણ કોઈ કાળે રદ્દ નહીં જ થાય. તમને સસ્પેન્ડ કરી નાખીશું અથવા બદલી કરી દઈશું પરંતુ એક શાળા નં.93 જ નહીં બીજી અન્ય શાળાઓ પણ ખાનગી સંસ્થાને દત્તક આપીશું. આમ, ચેરમેન અતુલ પંડિત અને કિરીટ પરમારે શાળા નં.93ના મહિલા આચાર્યને પોતાની કેબિનમાં બોલાવી ડરાવ્યાં-ધમકાવ્યા હતા એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી અન્ય એક પ્રાપ્ત વિગત મુજબ ત્યાં ઉપસ્થિત કોઈ એક દ્વારા આ સમગ્ર મામલાનું રેકોર્ડિંગ પણ કરી લેવામાં આવ્યું છે જે મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
શર્વ ફાઉન્ડેશનનું MoU રદ્દ નહીં થાય, હજુ ચાર સ્કૂલ તેમને આપીશું: કિરીટ પરમારની ફિશિયારી
રાજકોટના શર્વ ફાઉન્ડેશને શાળા નં. 93 દત્તક લીધા બાદ વિવાદ થતા ટ્રસ્ટીઓએ તેમના તરફથી એમઓયુ રદ્દ કરી નાખ્યા છે. શર્વ ફાઉન્ડેશને મીડિયા સમક્ષ શાળા નં.93ના એમઓયુ તેમની તરફથી રદ્દ કરી નાખ્યા છે તેમ છતાં રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી એવી ફિશિયારી મારી રહ્યા છે કે, શર્વ ફાઉન્ડેશન સાથે કરેલા એમઓયુ રદ્દ નહીં થાય, હજુ ચાર સ્કૂલ તેમને દત્તક આપીશું. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર આર્થિક હિત સાધવા શહેરના માતબર વિસ્તારમાં આવેલી આધુનિક સરકારી શાળાઓને ખાનગી સંસ્થાને એક પછી એક દત્તક દઈ રહ્યા છે.
શાળા નં.93ના મહિલા આચાર્યની રજૂઆતમાં શું છે?
શાળા નં. 93માં પીવાના પાણી તથા સેનિટેશન જેવી પ્રાથમિક સુવિધાઓ સત્વરે કરી આપવા બાબત શાળાના મહિલા આચાર્યએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અત્રેની શ્રી વિનોબા ભાવે પે.સે. શાળા નં. 93માં હાલ પીવાના પાણી તથા સેનિટેશન વ્યવસ્થા નથી. આપશ્રીએ રૂબરૂ પણ તપાસેલ છે. શર્વ ફાઉન્ડેશન દ્વારા શાળાનું તમામ પ્લમ્બીંગ કામ, પીવાના પાણીના આર.ઓ. સિસ્ટમ, ઠંડા પાણીનું ફ્રીજ, શિક્ષકોના સેનિટેશન સુવિધાઓ વિખેરી તોડી નાખેલ છે. હાલ શાળાના 20 શિક્ષકો, 800 બાળકો, 4 એસ.ટી.પી. તથા સ્પોર્ટસ શિક્ષકોને પ્રાથમિક સુવિધાઓમાં મુશ્કેલી પડી રહેલ છે. જૂન-22થી પીવાના પાણી તથા સેનિટેશનની અસુવિધા છે. એસ.ઓ.ઈ.માં શાળા 300 દિવસમાં સમાવાયેલ છે. સેનિટેશન તથા પ્લમ્બીંગ કામના તોડી નાખવાથી સ્વચ્છતાનો અભાવ છે. ગંદકીના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર તથા સેનિટેશન ન હોવાથી શિક્ષકોના આરોગ્ય પર અસર ન થાય તે માટે સત્વરે શાળામાં પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે યથાયોગ્ય થશોજી.
પંડિત-પરમારની પિશાચી વૃત્તિ: વિદ્યાર્થીઓના પૈસાનો દુરુપયોગ કર્યા બાદ મહિલા આચાર્યને હેરાન-પરેશાન કરી રહ્યાં છે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો છે. વિદ્યાર્થી વિકાસ અને શાળાની વ્યવસ્થાપન માટે ફાળવેલી સરકારી ગ્રાન્ટથી પોતાના ખિસ્સા ભરી લીધા છે. શિક્ષણ સમિતિના વિવિધ ગેરવહીવટ છતાં થયા બાદ પંડિત -પરમાર બેબાકળા બન્યા છે અને પોતાની પિશાચી વૃત્તિનો પરિચય આપ્યો છે. અતુલ પંડિત અને કિરીટ પરમારે શાળા નં. 93ના મહિલા આચાર્ય અને મહિલા કેળવણી નિરીક્ષકને હેરાન-પરેશાન કરવામાં કશું બાકી રાખ્યું નથી. શાળા નં.93ના મહિલા આચાર્યને ધાકધમકી આપી તથા મહિલા કેળવણી નિરીક્ષકને નોટિસ ફટકારીને અતુલ પંડિત અને કિરીટ પરમાર દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે.
શાળા નં.93ના રિપોર્ટમાં કેળવણી નિરીક્ષકે દિનેશ સદાદિયા પર ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે
રાજકોટ શિક્ષણ સમિતિની શાળા નં. 93 મામલે શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા કેળવણી નિરીક્ષકને તપાસ સોંપાઈ હતી. આ તપાસનો રિપોર્ટ કેળવણી નિરીક્ષકે શાસનાધિકારીને સોંપ્યો છે જેમાં દિનેશ સદાદિયા પર કાનૂની રાહે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. પરંતુ શાસનાધિકારી કિરીટ પરમારે કેળવણી નિરીક્ષકના રિપોર્ટને આધારે મહિલા આચાર્યને ન્યાય અપાવવાની જગ્યાએ ખુદ શાળા નં.93ના મહિલા આચાર્ય અને કેળવણી નિરીક્ષક પર પગલાં લીધા છે જે સાબિત કરે છે પંડિત-પરમાર અમાનવીય રીતે શિક્ષણ સમિતિમાં વહીવટ કરી રહ્યા છે.