સૌરાષ્ટ્રની સેવાકીય હોસ્પિટલ કે જ્યાં દાખલ દર્દીને વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પમ્પ, સિરીંજ પમ્પ અને મેડિકલ મોનિટરની સારવાર – સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે
કોરોના કાળમાં જરૂરિયાતમંદ દર્દીઓની 41 લાખની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરની શ્રી પંચનાથ હોસ્પિટલના સફળતાના 3 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લાં 3 વર્ષથી તમામ પ્રકારના નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓની 41 લાખની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી છે.
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ શ્રી પંચનાથ હોસ્પિટલની સૌરાષ્ટ્ર અને કચ્છની જનતામાં સચોટ સારવાર અને સેવા અંગેની વિશ્ર્વસનિયતા અને લોકપ્રિયતામાં અવિરત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી કાર્યરત શ્રી પંચનાથ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જટીલ કે અતિજટીલ દર્દીઓને સચોટ અને સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે. 24 કલાક કાર્યરત ઈમરજન્સી વિભાગમાં અકસ્માતે થયેલ ગંભીર ઈજાઓ, ઝેરી દવા પી જવી, ઝેરી ઝાડા કે ઉલ્ટી થવા, સર્પ કે વિંછી જેવા સરીસૃપો કરડી જવા, સિક્કો ગળી જવો, પ્રસુતિ, ઇલેક્ટ્રીક શોર્ટ લાગવો, સુગર વધી જવુ, પેરાલીસીસનો હુમલો આવવો વગેરેની સારવાર તાત્કાલિક અસરથી કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 890 દર્દીઓએ ઈમરજન્સી વિભાગમાં સારવાર મેળવેલ છે.
શ્રી પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીનારાયણને ટોકન દરે તપાસ કરવામાં આવે છે તેમ જ અનુભવી ડોક્ટરોની ટીમ દ્વ્રારા જરૂરિયાત મુજબની સારવાર પણ ખુબ જ નજીવા દરે કરે છે. આ શ્રી પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ એ ખરેખર પંચનાથ મહાદેવની શ્રદ્ધાથી જોડાયેલી છે.
શ્રી પંચનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 2,25,000 દર્દીઓએ ઓ.પી.ડી માં નિદાન કરાવી નાની મોટી સારવાર કરાવી છે અને 2,50,000 જેટલા દર્દીઓએ લેબોરેટરી ચેકઅપ કરાવી રોગ અંગેની જાણકારી મેળવી છે. આ સિવાય હોસ્પીટલના સોનોગ્રાફી વિભાગની સેવાનો એક લાખ દર્દીઓએ લાભ લીધેલો છે અને 1,50,000 જેટલા દર્દીનારાયણે વિવિધ પ્રકારના એક્સ-રે કઢાવી નિદાન કરાવી આગળ સારવારનો લાભ મેળવ્યો છે. શ્રી પંચનાથ હોસ્પીટલના અનુભવી અને નિષ્ણાંત ડોકટરો દ્વારા 3324 જેટલા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં 6945 જેટલા દર્દીઓએ અહીં દાખલ થઇ સારવાર કરાવી અને સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે.
દાતાઓના સહયોગથી અને કેમ્પના માધ્યમથી અત્યાર સુધીમાં દર વર્ષે 350 મોતિયાના ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. 3 વર્ષથી અનેક સેવાકીય કાર્ય કરતી શ્રી પંચનાથ સાર્વજનિક હોસ્પીટલમાં દાખલ દર્દીઓને વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પમ્પ, સિરીંજ પમ્પ અને મેડિકલ મોનિટર ઉપરાંત 3 વર્ષ પૂર્ણ થયાના અવસરે તા.22/01/24 થી દાખલ થતા તમામ દર્દીને ગ્લુકોઝની બોટલની સેવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
પંચનાથ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં આઇ.સી.યુ., ઇમર્જન્સી સેવા તેમજ જનરલ વોર્ડ પણ ઉપલબ્ધ છે અહીં દર્દીને દાખલ કરવામાં આવે છે અને જનરલ વોર્ડ, સેમી સ્પેશિયલ વોર્ડ તથા સ્પેશિયલ વોર્ડમાં જરૂરિયાત મુજબની સારવાર આપી દર્દીને તંદુરસ્ત બનાવી રજા આપવામાં આવે છે.
દાખલ થયેલ દર્દીઓ પાસેથી તબીબો દ્વારા સૂચવાયેલા પરિક્ષણોનો કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ અન્ય કોઇપણ પ્રકારના છૂપા ચાર્જ વસૂલ કરવામાં આવતા નથી.
આ ઉપરાંત ડોક્ટરોમાં અહીં ફિઝિશિયન, ઈ.એન.ટી.,આઈ સર્જન, ગાયનેક, જનરલ સર્જન, બાળકોના રોગોના નિષ્ણાંત, ન્યુરોલોજિસ્ટ, એમ.ડી. તમામ પ્રકારના ડોકટરો ફક્ત 50 રૂપિયામાં રોગનું નિદાન કરી સારવાર આપી રહ્યા છે. આ ઉપરાંત ન્યુરો ફીઝીશ્યન, નેફ્રોલોજીસ્ટ, સંધિવાના નિષ્ણાંત અને પેટ આતરડા ના નિષ્ણાંત પણ ખુબ જ નજીવા દરે ફક્ત 200 રૂપિયામાં ચોક્કસ નિદાન અને સારવાર કરી રહ્યા છે.
આ દરેક વિભાગમાં જરૂરી એવા તમામ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા તબીબી ઉપકરણો હોસ્પિટલ દ્વારા વસાવવામાં આવેલ છે. તેમાં ઓક્સિજન સપ્લાય , વેન્ટિલેટર , ડી-ફેથ મશીન ,પોર્ટેબલ એકસ રે મશીન , ઇસીજી મશીન, મોનીટર , ઇમરજન્સી મેડિસીનની સુવિધાની સાથોસાથ ક્ધસલ્ટિંગ તબીબો, નર્સિંગ, મેડીકલ ઓફિસર, ઓપરેશન થિયેટરો તેમજ વિનયી, વિવેકી અને તાલીમબદ્ધ કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક ફરજ પર હાજર હોય છે. પંચનાથ હોસ્પિટલમાં 27 વર્ષના અનુભવી એમ.બી.બી.એસ. ડોક્ટર દ્વારા ફક્ત 10 રૂપિયામાં પ્રાથમિક તપાસ કરી આપવામાં આવે છે અને તેમને તપાસેલા દર્દીઓને દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. આમ, અતિ પ્રાથમિક સારવારથી લોકો વંચિત ન રહે તે માટેના તમામ પ્રયાસ કરવામાં આવે છે. આ સિવાય ફક્ત 50 રૂપિયામાં એમ.ડી. ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવે છે અને લગભગ અન્ય હોસ્પિટલ કરતા સાતથી આઠ ટકા ફ્રીમાં સારવાર કરી આપવામાં આવે છે.
આવી અશક્ય વસ્તુ પંચનાથ મહાદેવના આશીર્વાદના પ્રતાપે જ શક્ય બને છે. કોરોનાકાળ વખતે પણ શ્રી પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ સતત કાર્યરત રહી હતી અને લગભગ ગરીબ દર્દીઓને 41 લાખ રૂપિયાની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી.
આમ શ્રી પંચનાથ હોસ્પિટલના તબીબોએ તબીબી જગતમાં ગણાતા તમામ જટીલ ઓપરેશનો અને તાત્કાલીક નિદાન આત્મવિશ્ર્વાસથી સફળતાપૂર્વક કરતાં તેઓ સાચા અર્થમાં અભિનંદનના અધિકારી છે અને તમામ તબીબોએ આ શ્રેય દેવાધિદેવ મહાદેવના ચરણોમાં સમર્પિત કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
તબીબી સમસ્યાનુ સમાધાન નહીં પણ શ્રેષ્ઠ નિદાન અને સચોટ સારવાર એ જ સંકલ્પ કરનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડ, શ્રી મયુરભાઈ શાહ, શ્રી ડી વી મહેતા, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, ડો રવિરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ, નીરજભાઈ પાઠક, સંદીપભાઈ ડોડીયા, નીતિનભાઈ મણીયાર, નારણભાઈ લાલકીયા અને જૈમિનભાઈ જોશી જેવા સેવાભાવી કાર્યકરો સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને સચોટ નિદાન અને ઝડપી સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.