ઉપરવાસના ભારે વરસાદને કારણે 30 દરવાજા ખોલાયા; નદીના પટમાં 2700 ક્યુસેક પાણીની આવક શરૂ
ખાસ-ખબર ન્યૂઝ ઈં ભાવનગર
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આ ચોમાસાની સિઝનમાં સાતમી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા જળસપાટી વધી હતી.ડેમની જળસપાટી જાળવી રાખવા માટે ડેમના તમામ 30 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.
હાલમાં શેત્રુંજી ડેમમાં 2700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તેટલું જ પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે.ડેમનું પાણી નદીમાં છોડવામાં આવતા તંત્ર દ્વારા નીચાણવાળા 17 જેટલા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પાલીતાણા તાલુકાના 5 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા નદીના પટમાં કોઈ પણ પ્રકારની અવરજવર ન કરવા માટે લોકોને તાકીદ કરવામાં આવી છે.ડેમ ઓવરફ્લો થવાના કારણે સમગ્ર ભાવનગર જિલ્લામાં ખેડૂતો અને જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.



