સર્વોદય સોસાયટીમાં મિલકત સંબંધી ઝઘડામાં ભાઇના હાથે ભાઇની હત્યા
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
- Advertisement -
પાલિતાણા ગામે ટી.આર.બી.ના જવાને તેના જ નાનાભાઇની ગળુ દબાવી હત્યા નિપજાવી નાંખતા ભારે ચકચાર મચી જવા પામી છે. હત્યા બાદ આરોપીએ કુદરતી મોતમાં ખપાવવા સામેથી જ પોલીસ મથકે રજૂઆત કરી હતી પણ પોલ છતી થઈ હતી. પાલિતાણા ગામે સર્વોદય સોસાયટીમાં મિલ્કત સંબંધી ઝઘડામાં ટી.આર.બી. જવાન મયુરસિંહ બટુકસિંહ ગોહિલ (રહે. રાજવાડી બેન્ક કોલોની, પાલિતાણા)એ તેના જ નાનાભાઇ ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલના ઘરે જઇ ભગીરથસિંહનું ગળું દબાવીને હત્યા નિપજાવી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મિલ્કતના ડખ્ખામાં ભગીરથસિંહના ઘરે પહોંચેલા મયુરસિંહે ઘરની બહાર ઉભેલા ભગીરથસિંહનો ફોન ખેંચી, બંન્ને પગ પકડીને ઘરની અંદર લઇ જઇ, ઉપર બેસી, ગળું દબાવી, મારમારી હત્યા નિપજાવી હતી.આરોપીએ હત્યા નિપજાવી પાલિતાણા ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો અને ભગીરથસિંહનું પડી જવાથી મોત થયાનું રટણ કર્યું હતું પરંતુ મોત બાબતે શંકા જતા મૃતકને ફોરેન્સીક પી.એમ. ખાતે મોકલી અપાતા હત્યા થઇ હોવાનું સામે આવતા આરોપીની પોલ ખુલી ગઇ હતી અને પોલીસે આરોપી ટી.આર.બી.જવાન મયુરસિંહ બટુકસિંહ ગોહિલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. એક દિવસ અગાઉ આરોપી અને તેની પત્નિ બંન્ને મૃતકના ઘરની પાસે કથામાં ગયા હતા જ્યાં આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થતાં બીજા દિવસે આરોપીએ હત્યાનું કાવતરૂ ઘડ્યું હતુ. મૃતક ભગીરથસિંહ તેમજ આરોપી ભાઇ મયુરસિંહ તેની પત્નિ અને બાળકો સહિત માતા-પિતા સાથે સંયુક્ત કુંટુંબમાં રહેતા હતા ત્યાર બાદ પિતાનું કેન્સરની બિમારીથી અવસાન થતાં બંન્ને ભાઇઓ વચ્ચે મિલ્કત સંબંધી માથાકૂટ થતાં આરોપી મયુરસિંહ તેની પત્નિ, બાળકો સાથે અન્ય વારસાઇ મકાનમાં રહેતા જતો રહ્યો હતો.