ઓસ્ટ્રેલિયાની 96 રનમાં પાંચ વિકેટ પડી ગયા બાદ સ્ટોઈનિસ અને મેથ્યુ વેડે 81 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારીથી જીત અપાવી
આખરી 9 બોલમાં 18 રનની જરુર હતી, ત્યારે મેથ્યુ વેડે આફ્રિદીને 19મી ઓવરમાં સળંગ ત્રણ છગ્ગા ફટકાર્યા
દિલધડક મેચમાં ઓસ્ટ્રેલિયાએ 177 રનના ટાર્ગેટને 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો
ખાસ-ખબર સંવાદદાતા
ઓસ્ટ્રેલિયાએ ટી-20ની યાદગાર કહી શકાય તેવી સેમિફાઈનલમાં પાકિસ્તાનને એક ઓવર બાકી હતી ત્યારે પાંચ વિકેટથી પરાજય આપીને ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે રવિવારે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાશે.
177 રનનો પડકાર ઝીલતા સ્ટોઈનિસે 31 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 40 અને વિકટકીપર બેટસમેન મેથ્યુ વેડે 17 બોલમાં 2 ચોગ્ગા 4 છગ્ગા સાથે 41 રન અણનમ ફટકારતા પાકિસ્તાનના હાથમાંથી બાજી ઝૂંટવી લીધી હતી. ગઈકાલે ન્યુઝીલેન્ડે પણ આ જ રીતે અચરજ લાગે તેવી સ્થિતિમાં 1 ઓવર બાકી હતી ત્યારે વિજય મેળવ્યો હતો. સ્ટોઈનિસ અને વેડે 6.4 ઓવરોમાં 81 રન ઝૂડયા હતા.
- Advertisement -
ઓસ્ટ્રેલિયાને આખરી નવ બોલમાં 18 રન કરવાના હતા પણ આફ્રીદીની આખરી અને ઈનિંગની 19મી ઓવરમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલે વેડે મેજિકલ સળંગ ત્રણ છગ્ગા ફટકાર્યાહતા. આમ 19મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ દિલધડક જીત હાંસલ કરતાં પાકિસ્તાન હતાશા સાથે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું હતું.