પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કતાર અને તુર્કીની મધ્યસ્થી દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા હતા, જેનો ઉદ્દેશ્ય સરહદ પર હિંસા રોકવા, ફોલો-અપ મીટિંગ્સ યોજવા અને સરહદ પર લાંબા ગાળાની સ્થિરતા સુનિશ્ચિત કરવાનો હતો.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સરહદી સંઘર્ષને સમાપ્ત કરવામાં એક મોટી સફળતા મળી છે. કતારના વિદેશ મંત્રાલયે રવિવારે (19 ઓક્ટોબર) વહેલી સવારે જાહેરાત કરી કે, કતારની રાજધાની દોહામાં તૂર્કિયેની મધ્યસ્થીમાં યોજાયેલી વાતચીતમાં બંને દેશો તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમત થયા છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે.
- Advertisement -
મળતી માહિતી મુજબ, કતારે જણાવ્યું છે કે, યુદ્ધવિરામ કાયમી રહે અને તેનું યોગ્ય રીતે અમલીકરણ થઈ શકે તે માટે બંને પક્ષો આગામી દિવસોમાં વધુ બેઠકો યોજવા માટે પણ સહમત થયા છે. આ તાજેતરનો સંઘર્ષ 2021માં તાલિબાનના સત્તામાં પાછા ફર્યા પછી બંને પડોશી દેશો વચ્ચેનો સૌથી ગંભીર ટકરાવ છે.
અફઘાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાબુલના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રક્ષા મંત્રી મુલ્લા મોહમ્મદ યાકૂબે કર્યું હતું, જ્યારે પાકિસ્તાન તરફથી રક્ષા મંત્રી ખ્વાજા આસિફ તાલિબાનના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં જોડાયા હતા.
- Advertisement -
પાકિસ્તાનનો આરોપ અને તાલિબાનનો વળતો જવાબ
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, વાતચીતનો મુખ્ય હેતુ અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનમાં થતા સરહદ પારના આતંકવાદને રોકવાનો અને પાક-અફઘાન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવાનો હતો. ઇસ્લામાબાદે કાબુલ પાસે માંગ કરી હતી કે, સરહદ પારથી પાકિસ્તાનમાં હુમલા કરનારા આતંકવાદીઓને અટકાવવામાં આવે, ત્યારબાદ હિંસા શરૂ થઈ હતી.
બીજી બાજું, તાલિબાન આતંકવાદીઓને આશ્રય આપવાનો ઇનકાર કરે છે અને પાકિસ્તાન પર ખોટી માહિતી ફેલાવવાનો તેમજ અફઘાનિસ્તાનને અસ્થિર કરવા માટે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા જૂથોને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે. જોકે, પાકિસ્તાન આ આરોપોને ફગાવી દીધા હતા.
પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે તાજેતરમાં થયેલા આત્મઘાતી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અફઘાન સરકારે અફઘાન ભૂમિનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં હુમલા કરનારા જૂથો પર નિયંત્રણ રાખવું જોઈએ.
યુદ્ધવિરામ છતાં હુમલા: અફઘાનિસ્તાને ક્રિકેટ સીરિઝમાંથી નામ પાછું ખેંચ્યું
અફઘાનિસ્તાને આરોપ લગાવ્યો હતો કે, શુક્રવારે યુદ્ધવિરામની સમયસીમા લંબાવ્યાના થોડા કલાકો બાદ જ પાકિસ્તાને નાગરિકોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. જોકે, અમારા સૈનિકોને વાતચીત ચાલુ રાખવા માટે જવાબી હુમલો ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં પક્તિકા પ્રાંતમાં ત્રણ અફઘાન ખેલાડીઓના મોત થયા હતા, જેના કારણે અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં યોજાનારી T-20 ક્રિકેટ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
જોકે, પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે દાવો કર્યો હતો કે, હુમલાઓમાં આતંકવાદી શિબિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે નાગરિકોના મૃત્યુના દાવાઓને ફગાવી દીધા હતા.