ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક સજ્જ કરવામાં આવી રહ્યો છે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પણ જૂનાગઢ જિલ્લાના જુદા-જુદા મતદાન મથક ખાતે પીવાના પાણી, રેમ્પ, શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી છે. આ સાથે મતદાન મથકોની જરૂરી સમીક્ષા પણ હાથ ધરવામાં આવતી હોય છે, ત્યાર બાદ મતદાન મથકોના ક્રમ અને નંબરમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. તેના આધારે 86-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકોની માહિતી, બીએલઓ સહિતની વિગતો દર્શાવતા પેઈટીંગ કરવામાં આવ્યા છે. આમ, મતદાન મથકો અંતિમ યાદી પ્રમાણે અદ્યતન કરવામાં આવ્યાં છે. આ માટે મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા તમામ મતદાન મથકોમાં આવશ્યક સુવિધાઓનું આકલન કરવાની સાથે મતદાન મથકો માટે જરૂરી કામગીરી હાથ ધરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આપણું બૂથ, સ્વચ્છ બૂથ અંતર્ગત મતદાન મથકોમાં સ્વચ્છતા ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવી હતી.