પદ્મકુંવરબા હોસ્પિટલ : અનેક નાની મોટી બિલ્ડિંગમાં રંગરોગાન તો દૂર રીપેરિંગ પણ કરવામાં આવ્યું નથી
નવા બિલ્ડિંગની દરખાસ્ત હોવા છતા રંગરોગાન પાછળ લાખોનો ધૂમાડો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં હવે આરોગ્યસેવા કરતાં વધુ ચર્ચા તેની અવ્યવસ્થા અને ભ્રષ્ટાચારને લઈને ચાલી રહી છે. વર્ષો જૂના આ હોસ્પિટલનું બિલ્ડિંગ હાલ અત્યંત જર્જરીત છે. તંત્ર દ્વારા નવું બિલ્ડિંગ ઉભું કરવાની યોજના હોવા છતાં પણ ફક્ત બહારથી જ રંગરોગાન કરીને હોસ્પિટલને નવો દેખાવ આપવામાં આવ્યો છે, જ્યારે અંદરનું વાસ્તવિક દૃશ્ય તો કંઇક અલગ જ જોવા મળી રહ્યુ છે. હોસ્પિટલની અંદર ગંદકી, તૂટેલી બારી-બારણા, કચરાના ઢગલા અને શૌચાલયોની દયનીય હાલતથી દર્દીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. સારવાર માટે આવતા દર્દીઓને યોગ્ય સુવિધા અને સફાઈ મળતી નથી, તેવી અનેક ફરિયાદો વધતી જાય છે. કેટલાક દર્દીઓએ તો સ્પષ્ટ આક્ષેપ કર્યો કે હોસ્પિટલમાં નાની-નાની સુવિધાઓ માટે પણ ખીસ્સાખર્ચા કરાવાય છે. તંત્ર દ્વારા માત્ર દેખાવ સુધારવા માટે કરાયેલા રંગરોગાનથી લોકોની આંખો ચકચોંધી જાય, પરંતુ અંદરનું દુર્ગંધયુક્ત વાતાવરણ અને બેદરકારીનું દૃશ્ય વાસ્તવિકતાને ઉજાગર કરે છે. હોસ્પિટલના સ્ટાફની અણઉપસ્થિતિ, તબીબી સાધનો હોવા છતા પણ ઉપયોગમાં લેવાતા ન હોય અને સફાઈમાં ઉદાસીનતા તંત્રે કરેલા દાવાઓને ખોટા સાબિત કરે છે. શહેરની આ અતિ મહત્વની સરકારી હોસ્પિટલનું હાલનું દૃશ્ય એક સવાલ ઉભો કરે છે શું તંત્ર માટે જનતાનું આરોગ્ય સાચે જ મહત્વનું છે કે ફક્ત રંગરોગાનથી જ દેખાવ સાચવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ?