કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટે શરદી તાવના દર્દીઓને શોધી તેઓના ટેસ્ટ કરવા અત્યંત આવશ્યક હોઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહથી ૧૨૦૦ થી ટીમો દ્વારા શહેરના દરેક વોર્ડમાં મેગા સર્વેલન્સ હાથ ધરાયું હતું. આમ છતાં કોઈ કારણસર જો કોઈ વિસ્તારમાં સર્વે ના થઇ શક્યો હોય તો એ અનુસંધાન પણ જોડી દેવા માટે તેમજ કોઈ ઘર બાકી ના છૂટી જાય તે સુનિશ્ચિત કરવા માટે હવે રાજકોટ મહાનગરપાલિકાએ પોલીસ ડીપાર્ટમેન્ટની મદદ સાથે આ કામગીરી આગળ ધપાવવાનું નક્કી કરેલ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, જે કોઈ વિસ્તાર મનપાના સર્વેની કામગીરીમાં બાકી રહી ગયાં હોય ત્યાં આ કામગીરી સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે તે વિસ્તાર માટે નક્કી કરાયેલી ટીમ સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને મોકલવા માટેની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે.