100થી વધુ સ્થળે આવેદન અપાયા: પોલીસ ફરિયાદ નોંધાઈ
અમદાવાદના પીઠડિયા નામના શખ્સ સામે માનહાનિનો દાવો કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ અને તેને અનુસરતા લોકોએ વિવાદ શરૂ કર્યો છે તે હજુ ચાલુ જ રહ્યો છે. સાળંગપુરમાંથી ભીંતચિત્રો હટાવી લેવાયા બાદ રોજ નવા નવા વિવાદાસ્પદ વીડિયો સામે આવી રહ્યા છે દરમિયાન રુદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને શ્રી પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુ તેમજ સનાતન ધર્મ વિશે એલફેલ બોલનાર અમદાવાદના પી. કે. પીઠડિયા નામના શખ્સ સામે કાનૂની રાહે પગલાં લેવા જૂનાગઢના ભવનાથ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તેમજ જૂનાગઢ અને કોડીનાર સહિત 100થી વધુ સ્થળે ઈન્દ્રભારતીબાપુના સેવકોએ કલેક્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવીને સનાતન ધર્મ વિશે ઘસાતું બોલનાર સામે કાનૂની રાહે પગલાં લેવા રજૂઆત કરી હતી. બીજી બાજુ અમદાવાદના પીઠડિયા નામના શખ્સ વિરુદ્ધ કરોડો રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવશે તેમ પણ મહંત ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું.
જૂનાગઢમાં રહેતા વિજય અમૃતલાલ વ્યાસ નામના ઈન્દ્રભારતીબાપુના સેવકે ભવનાથ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, પીઠડિયા નામના શખ્સે બે વીડિયો જાહેર કરીને સનાતન ધર્મ અને હિંદુ લોકોની લાગણી દુભાવી છે તેમજ ઈન્દ્રભારતીબાપુ વિશે પણ વાણીવિલાસ કર્યો છે ત્યારે તેની સામે કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવે. જ્યારે કોડીનારમાં અપાયેલા આવેદનપત્રમાં પણ લખનભાઈ ઓડેદરા સહિતના ઈન્દ્રભારતીબાપુના સેવકોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે, કાનૂની રાહે પગલા લેવા જોઇએ.
- Advertisement -
સનાતન ધર્મ અને ઈન્દ્રભારતીબાપુ વિશે એલફેલ બોલનારા સામે રાજકોટમાં આવેદન
ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઇન્દ્રભારતીબાપુ તથા સનાતન ધર્મના સાધુ સંતો વિશે સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષામાં ટિપ્પણી વહેતી થવાના વિરોધમાં રૂદ્રેશ્ર્વર શિષ્ય મંડળના ભાર્ગવ હુંબલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. આવી અભદ્ર વાતો કરનાર અમદાવાદના શખ્સ પ્રકાશ પીઠડિયા સામે કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી. ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઇન્દ્રભારતી બાપુ તથા સનાતન ધર્મના સાધુ સંતો વિશે સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરનાર અમદાવાદના વ્યક્તિ પ્રકાશ પીઠડીયાના વિરોધમાં રૂદ્રેશ્ર્વર શિષ્ય મંડળ દ્વારા આવેદન આપી વ્યક્તિની ટીપ્પણી સામે વિરોધ કરી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી.