મિલકત સીલ કરવા નિકળેલું જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર ભાન ભૂલ્યું, વર્ષો પછી તંત્ર સીલ મારવા નિકળ્યું
બસ સ્ટેશન પાસે પ્રિઝમ કોમ્પ્લેક્ષનાં ભાડુઆતને બીયુ સર્ટી મુદ્દે નોટીસ આપતા વિવાદ
મનપાએ 3 સ્કૂલ અને 3 હોસ્પિટલ સીલ કરી : અચાનક કામગીરીથી અનેક સવાલ ઉઠ્યાં
જૂનાગઢ મહાનગર પાલીકાનાં કમિશ્નર રાજેશ તન્નાને આંગણવાડી અને સફાઇમાંથી જાણે ફુરસદ મળી ગઇ હોય તેમ અચાનક બીયુ સર્ટીને લઇ કામે લાગી ગયા છે. શનિવારે 3 સ્કુલ અને 3 હોસ્પિટલને તાળાં મારી દીધા હતાં. મહાનગર પાલીકાની ટીમ અચાનક શહેરમાં બીયુ સર્ટી વિનાની મિલકત શોધતી થઇ છે. વર્ષો જુના બાંધકામ મનપાની ઝપેટમાં આવી જતા અનેક સવાલ ઉભા થયા છે. તેમજ શહેરમાં મનપાની કામગીરીની ટીકા પણ થવા લાગી છે. મનપાની કામગીરી દરમિયાન ભાડુઆતને પણ બીયુ સર્ટી મુદે નોટીસ આપ્યાનું સામે આવ્યું છે. જૂનાગઢનાં બસ સ્ટેશન સામે પ્રિઝમ કોમ્પ્લેક્ષનાં ભાડુઆતને નોટીસ આપતા વિવાદ થયો છે. આ કોમ્પ્લેક્ષ એસટી વિભાગે બનાવ્યું હતું અને 90 વર્ષનાં પટ્ટે ભાડે આપ્યું છે. અહીં વર્ષોથી ભાડે વ્યવસાય કરતા લોકોને નોટીસ આપવામાં આવી છે. મુળ માલીકને જગ્યાએ ભાડુઆતને નોટીસ મળતા મનપાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. ખરેખર તો એસટી વિભાગે નોટીસ આપવી જોઇતી હતી. પરંતુ ભાડુઆતને નોટીસ આપી મનપા વિવાદમાં ફસાઇ ગઇ છે.
ભાજપ અગ્રણીનાં સનસીનીખેજ આક્ષેપો, મનપાનાં ભ્રષ્ટ અધિકારી જવાબદાર
ભાજપનાં અગ્રણી અમૃતભાઇ દેસાઇએ મનપાની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. અમૃતભાઇ દેસાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ રજુઆત કરી છે. તેમણે કહ્યું હતું કે,15 વર્ષથી વધુ સમય થયો હોવા છતા પણ બીયુ સર્ટી રજુ કરવાની નોટીસ આપી છે.ત્યારે વર્ષો સુધી વેરાની વસુલાત કરી લીધા પછી તંત્રને બીયુ સર્ટી યાદ આવ્યું છે.મનપાનાં અમુક ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે. હવે ભોગ વેપારીઓ, તબીબો બની રહ્યાં છે. જેતે સમયે ઇજનેર અને બિલ્ડરની સાંઠગાઠથી આ પ્રકારનાં બાંધકામ થયા છે. હવે લોકો ભોગવી રહ્યાં છે. આ અંગે વડાપ્રધાનને રજુઆત કરી છે.
- Advertisement -
શહેરનાં વોંકળા કોને દબાવ્યાં? વોંકળા પરનાં બાંધકામ દૂર કરો
જૂનાગઢમાંથી પસાર થતા વોંકાળા પર બાંધકામ થયું છે. શહેરનાં મોટા ભાગનાં વોંકળા બુરી દેવામાં આવ્યાં છે. હજું વોંકળા બુરાઇ રહ્યાં છે. આ અંગે અનેક વખત રજુઆતો પણ થઇ છે. પરંતુ મનપા તંત્રની તેવડ નથી કે વોંકળા પરનાં દબાણની કાકરી પણ હાલવી શકે. મોટામાથાઓએ વોંકળા પર દબાણ કરી લીધા છે. મનપા તે દુર કરી શકે તેમ પણ નથી.
જૂનાગઢને સારા રસ્તા મળ્યાં નથી!
જૂનાગઢ મહાનગર બન્યાને વર્ષો વિતી ગયા પરંતુ જૂનાગઢની પ્રજાને આજ સુધી સારા રસ્તા મળ્યાં નથી. મનપા શહેરમાં બીયુ સર્ટી માટે સીલ કરે છે ત્યારે શહેરનાં માર્ગોની યોગ્યતા અંગેનાં સવાલ ઉભા થયા છે. કોન્ટ્રાકટર, નેતા અને અધિકારીઓની મીલીભગતનું પરિણામ શહેરની પ્રજા ભોગવી રહી છે.