સોશિયલ મીડિયામાં ઉગ્ર વિરોધ બાદ રાજ્યમંત્રીએ ભલામણ પરત ખેંચી, કારણ અકળ !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના વવાણીયા ગામમાં કાસમશાહ પીરની દરગાહ પાસેની સરકારી જમીન દરગાહ માટે ફાળવવા ભાજપના મહામંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ એક મહિના પહેલા જીલ્લા કલેકટરને કાર્યવાહી કરવા ભલામણ પત્ર લખ્યો હતો. આ પત્ર અચાનક સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો જે બાદ અચાનક મંત્રી મેરજાએ આ ભલામણપત્ર મુદે ફરી એકવાર કલેકટરને મેઈલ કરી વવાણીયામાં દરગાહની જમીન બાબતે કરેલ ભલામણ પરત ખેંચી છે અને આ બાબતે હવે કોઈ કાર્યવાહી નહીં કરવા સૂચના આપી છે. અચાનક એક મહિના બાદ કેમ આ ભલામણ પરત ખેંચી ? તેવા અનેક સવાલોની ચર્ચાએ હાલમાં ભારે જોર પકડયું છે જોકે મોરબી જીલ્લામાં બ્રિજેશ મેરજા દ્વારા સરકારી જમીન ફાળવણી અંગે ભલામણ કરતાં હિન્દુ સમાજમાં ભારે નારાજગીનો માહોલ સર્જાયો હતો અને સોશિયલ મિડીયામાં મેરજાને ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો અને તેમના વિરુદ્ધ હિન્દુ વિરોધી માનસિકતા હોવાના મેસેજ ફરતા થયા હતા જે બાદ આ પ્રકારનો ભલામણ રદ કરતો પત્ર લખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ધીરે ધીરે ચુંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે મોરબીના રાજકારણમાં આ મૂદાને લઈને જબરદસ્ત ગરમાવો આવ્યો છે. લોકપ્રિયતા મુદે સંઘર્ષ કરી રહેલા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને કયા કારણે આ ભલામણ કરવી પડી કે ભલામણ પરત ખેંચવી પડી એ તો આંતરિક બાબત છે પરંતુ ક્યાંકને ક્યાંક આ બાબતે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
- Advertisement -
કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો ન હોય : બ્રિજેશ મેરજા
આ બાબતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, વવાણિયા ગામમાં દરગાહ માટે જમીન આપવા બાબતે વવાણિયા ગામના વતની અને મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજાએ રજૂઆત કરી હતી અને રાજ્યમંત્રી તરીકે ભાજપ આગેવાનની રજૂઆતને કલેકટરને મોકલી આપી હતી જે રજૂઆત બાદ આ બાબતે રૂબરૂ ફોનથી કે બેઠકમાં સૂચના આપવામાં આવી નથી તેમ છતાં આ બાબતે ગેરસમજણ ન થાય એટલા માટે પત્ર લખી ભલામણ રદ કરવા અને આ અંગે કોઈ કાર્યવાહી ન કરવા સૂચના અપાઈ છે તેવી સ્પષ્ટતા કરી હતી તેમજ આ પત્ર થકી કોઈની લાગણી દૂભાવવાનો ઈરાદો ન હોય તેમ જણાવ્યું હતું.