ખાસ-ખબર સંવાદદાતા
દેશના અનેક વિસ્તારોમાં જુલાઈના પ્રથમ પખવાડિયામાં ભારે વરસાદ પડતા જૂનના આ ગાળાની સરખામણીએ પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.
જુલાઈના પ્રથમ પખવાડિયામાં પ્રવાસ માગ ઘટી હતી જેને કારણે ઈંધણ વેચાણને ફટકો પડયો હતો એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.
જૂનની સરખામણીએ 1 થી 16 જુલાઈના ગાળામાં ડીઝલનું દૈનિક વેચાણ 19.70 ટકા ઘટી 29.60 લાખ ટન્સ રહ્યું હતું. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ઉપરાંત પૂરની સ્થિતિ સર્જાતા વાહનોની અવરજવર અટકી પડી હતી જેની સીધી અસર ડીઝલની માગ પર પડી હતી. સામાન્ય રીતે ચોમાસામાં ઈંધણની માગમાં આમપણ ઘટાડો જોવા મળતો હોય છે.
- Advertisement -
સિંચાઈ સંબંધિત આવશ્યકતા ઓછી રહેતી હોવાથી કૃષિ ક્ષેત્ર તરફથી પણ આ મહિનામાં માગ નબળી રહે છે. સરકારી રિટેલ આઉટલેટસની સરખામણીએ ખાનગી રિફાઈનરી દ્વારા સસ્તા ભાવે ડીઝલ વેચાતા સરકારી રિટેલ વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
સરકારી કંપનીઓ જેમ કે આઈઓસી, બીપીસીએલ તથા એચપીસીએલનું દૈનિક પેટ્રોલ વેચાણ જૂનની સરખામણીએ 10.80 ટકા ઘટી 12.60 લાખ ટન્સ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.
બીજી બાજુ વિમાની મુસાફરોની સંખ્યા વધતા વિમાનમાં વપરાતા જેટ ફ્યુઅલની માગ જુલાઈના પ્રથમ પખવાડિયામાં વાર્ષિક ધોરણે 6.10 ટકા વધી છે.