સાંગોદ્રા ગીર ગામના સરપંચ ઉમરભાઈ ભાલીયા તથા ઈસ્માઈલી મોમીન અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપતા ભારે ચકચાર
તાલાલાના ચિત્રાવડ ગીરના 600 મતદારોના નામો સામે વાંધા રજૂઆતથી ગામ ચોંકી ઉઠયું
- Advertisement -
ગામના ઉપસરપંચ ઉપરાંત ઈસ્માઈલી મોમીન તથા મુસ્લિમ સમાજના 60 વર્ષથી ગામમાં રહેતા મતદારોના નામો રદ કરવા ષડયંત્ર ચાલી રહ્યાના આક્ષેપો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકામાં ચૂંટણી પંચ દ્વારા એસ.આઇ.આર ની ચાલી રહેલ કામગીરીમાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ-પૂર્વ સરપંચ તથા ઈસ્માઈલી મોમીન-મુસ્લિમ સમાજ સહિત 140 મતદારોના નામો ગુલ કરવા પ્રેરવી શરૂ થતાં સાંગોદ્રા ગીર ગામમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સાંગોદ્રા ગીર ગામના સરપંચ ઉમરભાઈ ભાલીયા ની રાહબરી હેઠળ તાલાલા મામલતદારને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સાંગોદ્રા ગીર ગામની પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં ગામના સરપંચ,પૂર્વ સરપંચ તથા ઈસ્માઈલી મોમીન સમાજ,મુસ્લિમ સમાજના ગામમાં વર્ષોથી વસવાટ કરતા કુલ 140 મતદારો સામે ખોટા વાંધા ઉભા કરી નામો મતદાર યાદીમાંથી રદ કરવાનું ષડયંત્ર શરૂ થયું હોવાનું જાણવા મળે છે…જે મતદારો સામે ખોટા વાંધા ઉભા કરવામાં આવેલ છે તે તમામ વર્ષોથી ગામમાં વસવાટ કરે છે.મોટાભાગના મતદારો ગામમાં ખેતીવાડી કરતા હોય તેમની ખેતિની જમીનના ખાતા પણ ગ્રામ પંચાયત રેકર્ડમાં છે છતાં પણ મતદારો સામે ખોટા વાંધા રજૂ કરવામાં આવ્યા છે.આ કથિત પ્રવૃતિથી ગામની શાંતિ સામે જોખમ ઊભું થવાની આવેદનપત્રમાં ભિતી વ્યક્ત કરવામાં આવી છે.સાંગોદ્રા ગીર ગામની મુલાકાત લઈ તમામ મતદારોની રૂબરૂ ખરાઈ કરી સાચાં મતદારો સામે રજુ કરવામાં આવેલ ખોટા વાંધા રદ કરવા મામલતદાર સમક્ષ સાંગોદ્રા ગામના આગેવાનોએ માંગણી કરી છે.
- Advertisement -
ગિર-સોમનાથ: ચિત્રાવડ ગીર ગામના ભાગ નંબર 21-22-23-24 માં નોંધાયેલ 600 થી પણ વધુ મતદારોને મતદાન મથક અધિકારીઓ તથા સુપરવાઇઝરોએ રૂબરૂ બોલાવી તમારા નામો સામે ફોર્મ નં.7 ભરી વાંધા અરજીઓ રજૂ થયાનું કહેતા ગામલોકોમાં ભારે રોષ પ્રસરી ગયો હતો.
ગામલોકોના જણાવ્યા પ્રમાણે ચિત્રાવડ ગીર ગામના જે મતદારો સામે વાંધા રજૂ થયા છે જેમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ઉપસરપંચ ઉપરાંત મુસ્લિમ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ તથા ઈસ્માઈલી મોમીન સમાજના પૂર્વ પ્રેસિડેન્ટ તથા ગામમાં 60 વર્ષથી વધુ સમયથી ખેતી કરતા ખેડૂતોની સામે વાંધા રજૂ કરવામાં આવ્યા છે.ગામના મતદારો સામે શરૂ થયેલ કથિત પ્રવૃત્તિ સામે વિરોધ વ્યક્ત કરવા ગામના અગ્રણીઓની અગત્યની બેઠક ગ્રામ પંચાયત કચેરીમાં મળી હતી.આ બેઠકમાં દાયકાઓથી ગામમાં વસવાટ કરતા ખેડૂતો,નાગરિકો તથા ગ્રામ પંચાયત તથા સામાજિક સંસ્થાઓમાં સેવા આપતા પદાધીકારીઓ સામે રજૂ થયેલ વાંધા ઉપજાવી કાઢેલ ખોટાં હોય તમામ વાંધાઓ તુરંત રદ કરવા માંગણી કરવામાં આવી હતી.ગામમાં વર્ષોથી વસવાટ કરતા તમાંમ મતદારોને યોગ્ય ન્યાય આપવાની માંગણી સાથે ગામના હાજર મતદારો ની સહિઓ સાથે સામૂહિક પત્ર તૈયાર કરી મામલતદારને મોકલવામાં આવેલ છે.
ચિત્રાવડ ગીર ગામના સાચાં અને પ્રમાણિક મતદારો સામે ખોટા વાંધા રજૂ કરી ગામનું એખલાસ,સુમેળ અને સમરસ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર લોકો સામે તુરંત કાયદાકીય કાર્યવાહી કરવા પણ ગામ લોકોએ મામલતદાર સમક્ષ માંગણી કરી છે.



