સૌની યોજનાનાં કારણે 3 સિઝન નિષ્ફળ: 6 મહિના થયા વળતર મળ્યું નથી
ખેડૂતોને વીઘા દીઠ 60 હજારની નુકસાની, ખેડૂતોએ કામ અટકાવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
માળિયા હાટીના તાલુકાનાં માતરવાણીયા, બોડી ગામની સીમમાંથી સૌની યોજનાની પાઇપ લાઇન નિકળી છે. ખેડૂતોને વળતર આપવાની વાત થઇ હતી, પરંતુ આજ દિનસુધી વળતર આપવામાં આવ્યું નથી રોષે ભરાયેલા ખેડૂતોએ સૌની યોજનાનું કામ અટકાવ્યું હતું. સૌની યોજનાનાં કારણે ખેડૂતોની 3 સિઝન નિષ્ફળ ગઇ છે. તેમજ ખેડૂતોને વીઘે 60 હજારની નુકશાની થઇ છે. જૂનાગઢ જિલ્લામાં સૌની યોજનાનું કામ ચાલી રહ્યું છે.અનેક તાલુકાની સીમમાંથી સૌની યોજનાની લાઇન પસાર થઇ રહી છે. ખેડૂતોનાં ખેતરમાંથી લાઇન નિકળતા તેમને વળતર આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ યોજના જે ખેડૂતનાં ખેતરમાંથી લાઇન નિકળે તે ખેડૂતનું ખેતર ખેદાન મેદાન થઇ જાય છે. વળતર કરતા નુકશાની વધી જાય છે.
હાલ માળિયા હાટીના તાલુકાનાં માતરવાણીયા, બોડી ગામની સીમમાંથી સૌની યોજનાની લાઇન પસાર થઇ રહી છે. ખેડૂતોનાં ખેતરમાં ખોદકામ કરવામાં આવ્યું છે. મોટા વાહન અને સાધનોને કારણે ખેતરમાં સ્થિતી બગડી ગઇ છે. આ યોજના શરૂ થઇ ત્યારે ખેડૂતોને માત્ર 15 દિવસમાં વળતર આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આજે 6 મહિના જેવો સમય થઇ ગયો હોવા છતા વળતર આપવામાં આવ્યું નથી. ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે અને સૌની યોજનાનું કામ અટકાવી દીધું છે. ખેડૂતોએ કહ્યું હતું કે, આ સૌની યોજનાનાં કારણે 3 સિઝન ખેડૂતો લઇ શકયા નથી. ખેડૂતોને એક વીઘે 60 હજાર રૂપિયાની નુકશાની ગઇ છે. જ્યાં સુધી વળતર નહી મળે ત્યા સુધી સૌની યોજનાનું કામ કરવા દેવામાં આવશે નહી.
- Advertisement -
વીઘે 20 હજારનું વળતર આપવાની વાત કરી હતી
ખેડૂત બિપીનભાઇ કાળાભાઇએ કહ્યું હતું કે, સૌની યોજનાની લાઇન નાખવામાં આવી રહી છે. પરંતુ વળતર મળ્યું નથી. વિઘે 20 હજાર રૂપિયા આપવાની વાત હતી. પરંતુ હજુ સુધી મળ્યાં નથી. આ અંગે અનેક રજુઆત પણ કરી છે. પણ ઉકેલ આવ્યો નથી. આજે કામ અટકાવ્યું છે.
6 મહિનાથી સહાય મળી નથી
માતરવાણીયાનાં સરપંચ ભાળજા યશકુમારે કહ્યું હતું કે, સૌની યોજનાનું કામ છ મહિના થયા છે પરંતુ એક રૂપિયાનું વળતર મળ્યું નથી. એટલે કામ અટકાવ્યું છે. 15 જેટલા ખેડૂતોને હજુ સુધી સહાય મળી નથી. જયા સુધી સહાય નહી મળે ત્યાં સુધી કામ શરૂ કરવા દેવામાં આવશે નહી.
તંત્રએ મંજુરી વિના વૃક્ષો કાપી નાખ્યાં
સૌની યોજનાની કામગીરી આડેઘડ કરવામાં આવી રહી છે. ખેડૂતો હેરાન થઇ ગયા છે. એટલું જ નહી 20 વર્ષ જુના વક્ષૃ કાપી નાખવામાં આવ્યાં છે. સૌની યોજનાનાં અધિકારીઓએ વૃક્ષો કાપવા માટે મંજુરી પણ ન લીધી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ સિઝન નિષ્ફળ થઇ છે
ખેડૂત જીવનભાઇ કોડીયાતરે કહ્યું હતું કે,સૌની યોજનાનું વળતર 6 મહિના થયા મળ્યું નથી. 15 દિવસમાં સહાય આપવાની વાત કરી હતી. તેમજ ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ એમ 3 સિઝન નિષ્ફળ ગઇ છે. ખેડૂતોએ વિઘે 60 હજારની નુકશાની ગઇ છે.