ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા પંથકમાં વીજપુરવઠો કાયમ ગમે ત્યારે ખોરવાઈ જવાથી અને વીજળીની અનિયમિતતાથી ખેડૂતો અને પ્રજા ગળે આવી ગયા છે. વીજતંત્રના અણઘણ વહીવટથી વાજ આવી જઈ ટંકારા તાલુકાના અમરાપર, ટોળ સહિતના ગામડાના ખેડુતોએ સમયસર વીજ પુરવઠો મળતો ન હોવાની વ્યથા ઠાલવતું આવેદનપત્ર ટોળ સેવા સહકારી મંડળીના પ્રમુખની આગેવાની હેઠળ મામલતદારને પાઠવી ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
ટંકારા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વિજળીના ધાંધીયાથી સામાન્ય પ્રજાજનો અને ખેડુતો ગળે આવી ગયા છે. વારંવાર વીજપુરવઠો ખોરવાઈ જતા ફરીયાદ કરવા છતા કોઈ દાદ દેતુ ન હોવાની ઘણા સમયથી કાગારોળ મચી છે. આ મુદ્દે કંટાળીને ટંકારા તાલુકાના ટોળ અને અમરાપર સહિતના ગામડાના ખેડુતો ટોળ સેવા સહકારી મંડળીના પ્રમુખ શાહબુદ્દીન ગઢવાળાની આગેવાની હેઠળ ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવવા તાલુકા મથકે પહોંચ્યા હતા. મામલતદારને સહકારી મંડળીના લેટરપેડ પર પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ટોળ ગામ નજીકના કોઠારીયા ગામે આવેલા ફીડર બિલેશ્વર ફીડર તથા ટોળ ફીડરમાંથી વિજ પુરવઠો વિતરણ થાય છે પરંતુ છેલ્લા એક-દોઢ મહિનાથી ક્યારેય આઠ કલાક સમયસર એકધારી વિજળી મળી નથી. વિજળીની અનિયમિતતા અંગે વિજતંત્ર કચેરીનો ટેલિફોનીક સંપર્ક કરતા ક્યારેય ફોન ઉપાડતા જ નથી. નસીબ જોગે ફોન ઉપડે તો ઉડાઉ જવાબો મળે છે. કાયમ ઉપરથી લોડ સેટિંગનું બહાનુ પણ ધરવામા આવે છે. વધુ પુછતાછ માટે અમલદારના સંપર્ક નંબર આપવામાં આવતા નથી જેથી આખરે કંટાળીને વિજતંત્રનો કાન આમળવા મામલતદાર સમક્ષ ઘેલાભાઈ ફાંગલીયા, ગૌતમ વામજા, અબ્દુલભાઈ ગઢવાળા સહિતના અનેકે રૂબરૂ લેખિત વ્યથા ઠાલવી હતી.