અમે માર્કેટની સ્થિતિના આધારે જુદા-જુદા દેશો સાથે ડીલ કરીએ છીએ
“ભારતીય ઉપભોક્તા હિતોની રક્ષા કરવાની પ્રાથમિકતા” રશિયાની તેલ ખરીદીને રોકવાના ટ્રમ્પના દાવા પર ભારતનો જવાબ
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ભારતે રશિયામાંથી ક્રૂડની ખરીદી અટકાવી દીધી છે. આ દાવા પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે કે, અમારી પ્રાથમિકતા દેશવાસીઓનું હિત છે. વિદેશ મંત્રાલયે આજે ફરી એકવાર અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ છે કે, ભારત મોટાપાયે ક્રૂડ અને ગેસની આયાત કરે છે. અમારી પ્રાથમિકતા આ ભારે અસ્થિરતા ધરાવતા માર્કેટમાં ભારતીય ગ્રાહકોનું હિત ધ્યાનમાં રાખવાની છે. અમારી આયાત પોલિસી સંપૂર્ણપણે આ ઉદ્દેશ પર આધારિત છે. અમે અન્ય કોઈ પરિબળોથી પ્રભાવિત થઈ નિર્ણય લેતા નથી.
કેન્દ્ર સરકારનો આ જવાબ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના વધુ એક દાવાને ખોટો ઠેરવી રહ્યો છે. અગાઉ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સીઝફાયર દરમિયાન દાવો કર્યો હતો કે, તેમની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયુ છે. ત્યારે પણ ભારતે અને બાદમાં પાકિસ્તાને સ્પષ્ટતા આપી હતી કે, આ સીઝફાયરમાં કોઈની મધ્યસ્થી સ્વીકારવામાં આવી નથી.
માર્કેટની સ્થિતિના આધારે ડીલ કરીએ છીએઃ જયસ્વાલ
- Advertisement -
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, અમે માર્કેટની સ્થિતિના આધારે જુદા-જુદા દેશો સાથે ડીલ કરીએ છીએ. અમેરિકાની વાત કરીએ તો અમે તેની પાસેથી પણ છેલ્લા થોડા વર્ષથી ક્રૂડની ખરીદી કરી છે. આ ખરીદી છેલ્લા એક દાયકામાં ઝડપથી વધી છે. વર્તમાન વહીવટીતંત્રે પણ ભારતની સાથે ઉર્જા સંબંધોને પ્રોત્સાહન આપવા પ્રાથમિકતા આપી છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં પણ જ્યારે અમેરિકા તથા યુરોપિયન દેશો તરફથી રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, ત્યારે ભારતે જવાબ આપ્યો હતો કે, આવા કોઈ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવશે નહીં.
ભારતે અનેક વખત કહ્યું છે કે, યુરોપ પણ રશિયા પાસેથી સૌથી વધુ ગેસની ખરીદી કરે છે. તેણે પહેલાં તો પોતાની રશિયા સાથેની ડીલ બંધ કરવી જોઈએ. જો તે એવુ નથી કરી શકતુ તો તેને ભારત પર સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી.