ભાઈઓમાં 9.34 મિનિટના રેકોર્ડ સાથે મેર ચેતન અને બહેનોમાં 13.35 મિનિટના નવા રેકોર્ડ સાથે ચૌહાણ યશના પ્રથમ ક્રમે વિજેતા
ખાસ-ખબર સંવાદદાતા
શિયાળાની ગુલાબી ઠંડીમાં અને પ્રકૃતિના સાંનિધ્યનો અનુભવ કરતાં અનેરા જોમ જુસ્સા સાથે “તૃતીય ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા”નો ધોરાજી તાલુકાના નાયબ કલેકટરશ જયેશ લીખિયા દ્વારા ઓસમ તળેટી ખાતેથી ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 10.08 મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને 9.34 મિનિટના રેકોર્ડ સાથે ભાઈઓમાં પ્રથમ ક્રમાંકે મેર ચેતન, દ્વિતીય ક્રમાંકે 10.49 મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે 10.51 મિનિટ સાથે કાલરીયા ક્રિશ તેમજ બહેનોમાં 14.04 મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને 13.35 મિનિટના નવા રેકોર્ડ સાથે પ્રથમ ક્રમાંકે ચૌહાણ યશના, દ્વિતીય ક્રમાંકે 13.41 મિનિટ સાથે બાવળીયા ત્રિશા અને તૃતીય ક્રમાંકે 13.45 મિનિટ સાથે પામકા કૃપા ઓસમ આરોહણ સ્પર્ધામાં વિજેતા થયા છે.
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ – ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે “તૃતીય ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા”નું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતના 8 જિલ્લાના જુનિયર ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિત્તે સ્વામી વિવેકાનંદને યાદ કરતા ધોરાજી તાલુકાના નાયબ કલેકટર જયેશ લીખિયાએ જણાવ્યું હતું કે, સ્પર્ધામાં ખેલદિલી સાથે ભાગ લેવો એજ મહત્વની બાબત છે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બને તે માટે રાજયસરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.