આર્ટિસ્ટ મનોજ ગોહિલના સ્થાપત્ય કલાના 50 થી વધુ ચિત્રો જોવા મળશે
રાજકોટની કલાપ્રેમી જનતા માટે ડો.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તા.4 માર્ચથી શરૂ થનારા આ ચિત્ર પ્રદર્શનમાં કલાકાર મનોજ ગોહિલના વોટરકલર લેન્ડસ્કેપ સાથે જૂનાગઢની સ્થાપત્ય કલાના 50 થી વધુ વોટરકલર માધ્યમના ચિત્રો જોવા મળશે. સવારના 10 થી રાત્રિના 8 વાગ્યા સુધી વિના મુલ્યે ત્રણ દિવસ માટે આ ચિત્રપ્રદર્શની ખુલ્લી રહેશે.
- Advertisement -

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સહકારથી યોજાયેલા આ પ્રદર્શનમાં જૂનાગઢની સ્થાપત્ય કલાની સાથે જૂના મકાનો, નેચરલ વગેરે શ્રેષ્ઠ ચિત્રો જોવા મળશે. વધુમાં કલાકાર મનોજ ગોહિલે કલાકેન્દ્ર કોલેજ ઓફ ફાઈન –આર્ટ વલ્લભ વિદ્યાનગરમાં ડિપ્લોમા ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગનો અભ્યાસ કર્યો છે. ઘણા વર્ષોથી આર્ટ ક્ષેત્રે કાર્ય કરતાં મનોજ ગોહિલે અત્યાર સુધીમાં વનમેન શો સાથે 10 ગ્રુપ પ્રદર્શનોમાં ભાગ લીધો છે. તેમજ તાજેતરમાં ખજૂરાહોમાં યોજાયેલાં આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનમાં પોતાની બે કૃતિઓ રજુ કરી હતી. વોટરકલર લેન્ડસ્કેપ સાથે “ સ્થાપત્ય કલાનો આપણો વારસો ” સંદર્ભે તેમની કૃતિઓ ખરેખર માણવા જેવી છે.


