ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
પોરબંદર જિલ્લાના કલેકટર કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, કોસ્ટલ સિક્યુરિટી અને નાર્કો કોર્ડીનેશન સેન્ટરની સમીક્ષા માટે ત્રણ અલગ-અલગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ફિશ લેન્ડિંગ સેન્ટર સુરક્ષા, દરિયાકાંઠાની સુરક્ષા, અટકાયતી પગલાં, ટ્રાફિક નિયમન અને નાગરિક સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.સમાજ કલ્યાણ, આરટીઓ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, જીએમબી કચેરી, નશાબંધી અને આબકારી વિભાગ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ કોસ્ટગાર્ડ અને નેવીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાયદો અને વ્યવસ્થાની સમીક્ષામાં, સામાન્ય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ગંભીર ગુનાઓની ક્રાઇમ મેપિંગ અને તેના વિશ્લેષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. કાયદો અને વ્યવસ્થાને અસર કરનારા ગેરકાયદેસર અતિક્રમણના નિરાકરણ, હોટલ-રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસ ચેકિંગ, ટ્રાફિક નિયમન અને નાગરિક સુરક્ષાના મુદ્દાઓની પણ સમીક્ષા કરાઇ.ગતિશીલ ગુજરાત અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણ તાલીમ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ સ્કીમ અને સરહદી જિલ્લાઓના બાળકોને સૈન્ય તાલીમની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકના અંતે, કલેકટરએ તમામ અધિકારીઓને તેમની જવાબદારીઓ પૂરી પાડવામાં આહવાન કર્યું અને જિલ્લાની સુરક્ષા માટે તત્પર રહેવાની વિનંતી કરી.