ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નારી વંદન ઉત્સવના બીજા દિવસે બેટી બચાવો, બેટી પઢાવોના દિવસે નવતર ઉપક્રમના ભાગરૂપે કોફી વિથ કલેકટર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ વિદ્યાર્થીનીઓ સાથે સીધો સંવાદ સાધી, તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી હતી.
કલેકટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આજે મહિલાઓ સર્વોચ્ચ સ્થાને પહોંચી છે. ઞઙજઈ, બોર્ડ વગેરે પરીક્ષામાં પણ દીકરીઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે. આજે ખૂબ હરીફાઈ વચ્ચે પણ દીકરીઓએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે.
- Advertisement -
આજે દેશના સર્વોચ્ચ સ્થાને એટલે કે, પદે રાષ્ટ્રપતિ પદે પણ એક મહિલા છે. દીકરીઓ આઈએસ-આઈપીએસ બનવાની સાથે વૈજ્ઞાનિક બનીને ઈસરો જેવી સંસ્થાઓનાં માધ્યમથી દેશની સેવા કરી રહી છે. આજે ઈન્ટરનેટ અને ડિજિટલ મીડિયાના માધ્યમથી જ્ઞાન ભંડાર ખુલી ગયા છે. જેથી દુનિયાની કોઈપણ માહિતી પ્રાપ્ત કરી શકાય છે, સાથે જ કોઈ પણ કૌશલ્ય પણ શીખી શકાય છે.



