4.5 ટન કચરાનો નિકાલ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
તાજેતરમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધી શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત 4.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
તેમજ સફાઈ ઝુંબેશના ભાગરૂપે કુલ 11 આસામીઓ પાસેથી જાહેર સ્થળો પર ગંદકી કરવા બદલ રૂ. 16700/-નો દંડ વસુલ કરવામાં આવેલ અને શ્રમદાન પૂર્વે મોરબી મહાનગરપાલિકા દ્વારા નગર દરવાજા ખાતેથી મોટી સંખ્યામાં દબાણો દુર કરવામાં આવ્યા હતા.
આ સફાઇ અભિયાનમાં મ્યુનિસિપલ કમિશ્નર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, મોરબી મહાનગરપાલિકાના કર્મયોગીઓ, રોટરી કલબના સભ્યો, ઇન્ડિયન લાયન્સ કલબના સભ્યો, વિવિધ સંસ્થાઓ, સ્થાનિક વેપારી એશોસીએશનના સભ્યો અને નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી બદલ 28 હજારથી વધુનો દંડ વસુલાયો
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં તારીખ 10/02/2025 થી 13/02/2025 દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વપરાશકર્તાઓ તથા ગંદકી કરતાં આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કુલ 4 આસામી પાસેથી 10 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને તેઓ પાસેથી રૂ.10200/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ જાહેર સ્થળો પર ગંદકી ફેલાવતા 28 આસામી પાસેથી રૂ. 17300/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ ડેપ્યુટી કમિશ્નરશ્રી (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.