રાહુલ ગાંધીએ ઇન્ડિગો વિક્ષેપ માટે સરકારના “એકાધિકાર મોડેલ” ની ટીકા કરી, સામાન્ય નાગરિકો વિલંબ અને રદ દ્વારા ખર્ચ સહન કરે છે. એરલાઇનના ઓપરેશનલ પડકારોને કારણે વ્યાપક ફ્લાઇટમાં વિક્ષેપો સર્જાયો છે, જેના કારણે રાજકીય ચિંતા અને રાજ્યસભાની નોટિસ નાગરિક ઉડ્ડયન મંત્રીને આ મુદ્દાને ઉકેલવા અને ભવિષ્યની ઘટનાઓને અટકાવવા વિનંતી કરે છે.
દેશની સૌથી મોટી એરલાઈન્સ ઇન્ડિગોના સંચાલનમાં સતત ચોથા દિવસે પણ સંકટ ઘેરાયેલું રહ્યું છે. ઈન્ડિગોએ શુક્રવારે દિલ્હી સહિત દેશભરના અન્ય એરપોર્ટ પરથી ઓછામાં ઓછી 500થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે દેશના અનેક એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યા છે અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એટલું જ નહીં, વિવિધ એરપોર્ટ પર મુસાફરોએ સામાન ગુમ થવાની, સમયસર પહોંચી નહીં શકવાની અને એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવાની ફરિયાદો કરીને જોરદાર હંગામો પણ કર્યો છે.
- Advertisement -
ચાર દિવસમાં 1300થી વધુ ફ્લાઈટ રદ
ઈન્ડિગો દેશના એરલાઈન્સ માર્કેટમાં 60% જેવો ઊંચો હિસ્સો ધરાવે છે. આમ, તે દેશની અગ્રણી એરલાઈન્સ કંપની છે, જે હાલમાં ઓછા સ્ટાફની મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ કારણસર ઈન્ડિગોની છેલ્લા ચાર દિવસમાં 1300થી વધુ ફ્લાઈટ રદ થઈ છે અને મોડી પડી છે. ઈન્ડિગો ખાસ કરીને ફ્લાઇટ ડ્યૂટીની મર્યાદા નક્કી કરનારા નવા FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) નિયમો લાગુ થયા બાદ ક્રૂની તીવ્ર અછત અનુભવી રહી છે.
નવા FDTL નિયમોમાં થયેલા મુખ્ય ફેરફારો:
- Advertisement -
1. પાયલટો માટે સાપ્તાહિક આરામનો સમય 36 કલાકથી વધારીને 48 કલાક કરાયો છે.
2. એક પાયલટ એક સપ્તાહમાં બેથી વધુ નાઇટ લેન્ડિંગ ન કરી શકે.
3. આ ઉપરાંત પાયલટને સળંગ બે નાઇટ ડ્યુટીમાં જ મૂકી શકાય.
આ નિયમોનો હેતુ ઉડાન સુરક્ષાને મજબૂત કરવાનો છે, પરંતુ મોટી સંખ્યામાં પાયલટ્સ ફરજિયાત આરામના સમયને કારણે ફ્લાઇટ લઈ જઈ શકતા નથી, જેનાથી સંચાલન ખોરવાયું છે.
ક્રૂ મેમ્બર્સની સંખ્યાનો અંદાજ ખોટો લગાવ્યો હોઈ શકેઃ DGCA
ફ્લાઇટ્સ રદ થવાને કારણે અન્ય એરલાઇન્સના હવાઈ ભાડામાં અનેકગણો વધારો થયો છે. આ સંકટ અંગે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ખુલાસો કર્યો છે કે આ ગડબડી મુખ્યત્વે ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન્સ (FDTL) ના બીજા તબક્કાના અમલ માટે જરૂરી ક્રૂ મેમ્બર્સની સંખ્યાનો એરલાઇન દ્વારા ખોટો અંદાજ લગાવવામાં આવ્યો હોવાથી સર્જાઈ છે.
ઇન્ડિગોની સ્પષ્ટતા, માંગ અને માફી
ઇન્ડિગોએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશનને જણાવ્યું છે કે 8 ડિસેમ્બરથી વિમાનોનું સંચાલન ઘટાડાશે અને 10 ફેબ્રુઆરીથી સંચાલન સ્થિર થવાની આશા છે. એરલાઈન્સે DGCA પાસે FDTLના નિયમો અને રાત્રિ સંચાલન સંબંધિત નિયમોમાં 10 ફેબ્રુઆરી સુધી છૂટની માંગ કરતા ખાતરી આપી છે, તેઓ 10 ફેબ્રુઆરીથી ફ્લાઈટ ઓપરેશન પાટા પર લાવી દેશે.
જો કે, આ દરમિયાન એરલાઈન્સે મુસાફરોને એરપોર્ટ પર પહોંચતા પહેલા અચૂકપણે ફ્લાઈટ શેડ્યુલ જોઈ લેવાની સૂચના આપી છે.
ક્યારે સ્થિતિ સામાન્ય થશે?
ઈન્ડિગોએ DGCAને માહિતી આપી છે કે ફ્લાઇટ રદ થવાનો સિલસિલો આગામી બે-ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. જો કે, મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે એરલાઇન સોમવાર (૮ ડિસેમ્બર)થી ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડશે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ ગુરુવારે સ્થિતિનો તાગ મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. ત્યાર પછી તેમણે અન્ય એરલાઈન્સને ભાડું ન વધારવા અંગે પણ ચેતવણી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) અને DGCA ને સ્થિતિ પર સતત નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે અને એરપોર્ટ્સ પર ફસાયેલા મુસાફરોને મદદ કરવાની ખાતરી આપી છે.
આ મોનોપોલી મોડલનું પરિણામ છેઃ રાહુલ ગાંધી
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ લોકસભામાં ઈન્ડિગો ફ્લાઈટ રદ થવાથી મુસાફરોને પડી રહેલી હાલાકીનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ સાંસદ જી.એમ. કૃષ્ણાએ પણ આ બાબતે કેન્દ્રીય મંત્રીને મુસાફરોની અસુવિધા તાત્કાલિક ધોરણે દૂર કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘આ પ્રકારના સંકટ સરકારના મોનોપોલી મોડલનું પરિણામ છે.’ આ મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો હતો, જેમાં સાંસદોએ મુસાફરોને પડી રહેલી મુશ્કેલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ઈન્ડિગો સંકટની શેરબજાર પર પણ અસર
ઈન્ડિગોના સંકટના કારણે ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશનના શેરમાં આજે લગભગ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
દેશના મુખ્ય એરપોર્ટ પર રદ થયેલી ફ્લાઈટ
દિલ્હી: આજે મધ્યરાત્રિ સુધી દિલ્હીથી ઈન્ડિગોની તમામ 235 ફ્લાઈટ રદ
મુંબઈ: મુંબઈથી પણ આજે મધ્યરાત્રિ સુધીની 104 ફ્લાઈટ રદ.
બેંગલુરુ: બેંગલુરુમાં પણ મધ્યરાત્રિ સુધીની 102 ફ્લાઇટ રદ
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર બપોરે ચાર વાગ્યા સુધી 86 ફ્લાઈટ રદ.
ચેન્નઈ: ચેન્નઈમાં સાંજે 6 વાગ્યા સુધીની ઈન્ડિગોની તમામ ફ્લાઇટ્સ રદ
ગોવા: ગોવા એરપોર્ટ પરથી 30 ફ્લાઇટ્સ રદ.




