માલધારીઓને RMCનું અલ્ટિમેટમ
1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન વિનાના પશુઓ કબ્જે કરાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હાઇકોર્ટનાં આદેશ બાદ રખડતા ઢોર અંગે મનપા દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટેની નવી પોલીસી જાહેર કરાઈ ત્યારે 31 ડિસેમ્બર સુધીનો સમય માલધારીઓને પશુઓનાં રજિસ્ટ્રેશન માટે આપવામાં આવ્યો હતો. જોકે માલધારીઓ તેના પશુનું રજિસ્ટ્રેશન કરાવવામાં ઉદાસીન વલણ દાખવતા હોવાથી હજુ પણ ખૂબ ઓછા પશુઓનું રજિસ્ટ્રેશન થયું છે. જેને લઈને મનપાએ માલધારીઓને અલ્ટીમેટમ આપ્યું છે. 31 ડિસેમ્બર સુધીમાં તમામ પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવા આદેશો આપ્યા છે. સાથે આગામી 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન વિનાના પશુઓ કબ્જે કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
મનપાનાં વેટરનરી ઓફિસર ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં રખડતા ઢોર પકડવા માટે 24 કલાક કામગીરી ચાલી રહી છે. હાઇકોર્ટનાં આદેશ અનુસાર પશુઓના રજિસ્ટ્રેશનની નવી પોલીસી જાહેર થઈ ત્યારે 2 મહિનાનો સમય માલધારીઓને આપવામાં આવ્યો હતો. આ મુદ્દત આગામી 31 ડિસેમ્બરનાં રોજ પૂર્ણ થાય છે.
ત્યારે આ મુદ્દત સુધીમાં માલધારીઓએ તેમના પશુઓનું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. તેમજ 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન (છઋઈંઉ ટેગ) વિનાના બધા પશુઓને મનપા દ્વારા જપ્ત કરવામાં આવશે. રાજકોટમાં હાલ 35 હજાર જેટલા પશુઓ છે. જે પૈકી અત્યાર સુધી 8500 પશુઓને ટેગીંગ અને 6 હજારમાં ચીપ લગાડવાની કામગીરી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે અગાઉ જણાવ્યા મુજબ, રાજકોટમાં પશુઓની નોંધણી, ટેગીંગ, લાયસન્સ જેવી કામગીરી માટે ઢોર માલિકોને અંતિમ તક છે. તા.15 કે 17ના રોજ પશુ માલિકોને અંતિમ ચેતવણી આપતી નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવશે. તે બાદ લાયસન્સ વગરના ઢોર શહેરમાં રહેવા દેવામાં આવશે નહીં. આવા પશુ પકડાય તો છોડવામાં પણ નહીં આવે. જોકે માલધારીઓને સુવિધા મળે તેવા પ્રયાસ મનપા દ્વારા કરાઈ રહ્યાં છે. આ માટે કોઠારીયામાં વધુ એક એનિમલ હોસ્ટેલ બનાવવા માટે કલેક્ટર તંત્ર પાસે જમીન માંગવામાં આવી છે.
પશુપાલકોને હાલના તબક્કે કોઇ રાહત આપવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર
રખડતાં ઢોરના મામલે હાઈકોર્ટ સમક્ષ થયેલી ક્ધટેમ્પ્ટ પિટિશનના મામલે શુક્રવારે ગોપાલકો તરફથી થયેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે સરકારની નીતિની અમલવારી 1લી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે ત્યારે અમને અનેક મુદ્દે હાલાકી થઇ રહી છે તેથી કોઈ યોગ્ય આદેશ કરી આપવામાં આવે. જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે હાલના તબક્કે કોઇ પણ રાહત આપતો આદેશ કરવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ એવી ટકોર કરી હતી કે, કોર્પોરેશન અને સરકાર દ્વારા જે નીતિનો અમલ કરવામાં આવી રહ્યો છે, એમાં હસ્તક્ષેપ કરતો કોઈ આદેશ કરી શકાય નહીં. જો ગોપાલકોને કોઈ પણ હાલાકી હોય તો તેઓ આગામી સુનાવણી દરમિયાન એ અંગે રજૂઆત કરી શકે છે.’ હાઈકોર્ટે સરકાર અને કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા પગલાંનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપી કેસની સુનાવણી 12મી ડિસેમ્બરે રાખી છે.