જિલ્લા કલેક્ટરોને પાસાની દરખાસ્તો મોકલવા ગૃહ વિભાગે પત્ર લખ્યો
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર તરફ નર્મદાનું પાણી વહન કરતી મુખ્ય અને બ્રાન્ચ કેનાલોથી લઈને સૌની યોજના, તળાવો, ચેકડેમમાંથી બેફામપણે વર્ષોથી પાણીની ચોરીઓ થઈ રહી છે. જેના કારણે છેક જામનગર અને કચ્છ તરફ ખેડૂતોને સિંચાઈ અને શહેરોને પીવા માટેનું નર્મદાનું પાણી પુરતા ફોર્સથી મળી રહ્યુ નથી. આથી, ગુજરાત સરકારે પાંચ વર્ષ પૂર્વે વિધાનસભામાં ઘડેલા કાયદા હેઠળ પાસાનું હથિયાર ઉગમવા નિર્ણય કર્યો છે. ગૃહ વિભાગે પાણી ચોરનારાને પાસા હેઠળ જેલભેગા કરવા સર્વે જિલ્લા કલેક્ટરોને દરખાસ્તો તૈયાર કરીને મોકલી આપવા આદેશ કર્યો છે.
ગુજરાત સરકારે પાણી વ્યવસ્થાપન ક્ષેત્ર રહેલા પડકારોને પહોંચી વળવા વર્ષ 2011માં અને ત્યારબાદ વર્ષ 2019માં બે નવા કાયદા ઘડયા હતા. ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) અધિનિયમ- 2019ના નામે ઓળખાતા આ કાયદા હેઠળ નદીઓ, તળાવો, જળાશયો કે સિંચાઈ હેઠળ નેટવર્કની કેનાલો, પાઈપલાઈનો કે પછી ભૂર્ગભમાંથી ગેરકાયદેસર રીતે પાણી ખેંચરનારા તત્વોની સામે સખત કાર્યવાહી કરવા થયેલા આદેશો પાછળ સુરેન્દ્રનગર અને મોરબીમાં ઉદ્યોગો દ્વારા થઈ રહેલી બેફામપણે પાણી ચોરી તેમજ માથાભારે તત્વો દ્વારા પાણી ચોરી કરીને ખેડૂતોને વેચવાનો કાળો કારબોર કારણભૂત હોવાનું કહેવાય છે. ગૃહ વિભાગના ઉપસચિવ ધર્મેશ પરીખે આવી ચોરી અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ કમ કલેક્ટરોને એક પત્ર લખ્યો છે. જેમાં કહેવાયુ છે કે, સુરેન્દ્રનગરના મૂળી અને થાનગઢ તાલુકામાંથી પસાર થતી, મૂળી તાલુકામાં આવેલા પીવાના પાણીના સ્ત્રોતમાંથી વારંવાર પાણીની ચોરીઓ થઈ રહી છે. ચોરી કરીને પાણીનું વેચાણ પણ થઈ રહ્યાનું ધ્યાન આવ્યુ છે. આવી ચોરી અટકાવવા ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તરફથી જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત મોકલવામાં આવે છે. જેને પોલીસ અધિક્ષકે મેજિસ્ટ્રેટ અર્થાત કલેક્ટર દ્વારા મોકલવાનો આગ્રહ ન સીધા જ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તરફથી મળતી દરખાસ્તોને આધારે નિર્ણય લેવામાં આવે. જેથી પાણી ચોરનારા વ્યક્તિને સમાજ માટે ભયજનક ગણીને પાસા હેઠળ ઝડપથી કાર્યવાહી કરી શકાય.