રાજય સરકારના શિક્ષણ વિભાગે જાહેર કરી ગાઈડલાઈન
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ, સ્વનિર્ભર કોલેજો અને યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ કમીટીની રચના કરવા અને યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે લોકપાલની નિયુક્તિ કરવા આદેશ કરવામાં આવ્યો છે. કમીટીમાં કેટલા સભ્યો રાખવા તેની પણ ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા ગત એપ્રિલ માસમાં દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ કમીટીની રચના કરવા તાકીદ કરવામાં આવી હતી.
- Advertisement -
મહત્વની વાત એ કે, હજુ સુધી મોટાભાગની યુનિવર્સિટીઓ અને કોલેજોએ આ પ્રકારની વ્યવસ્થા કરી નતી. કેટલીક યુનિવર્સિટીઓ માત્ર દેખાવ પુરતી આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે. આ સ્થિતિમાં હવે શિક્ષણ વિભાગે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા સતાવાર ઠરાવ કરીને દરેક યુનિવર્સિટીઓને આ પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ કરી દીધો છે. સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ કમીટીમાં ચેરપર્સન તરીકે એક પ્રોફેસરની નિયુક્તિ કરવાની રહેશે. સભ્યો તરીકે સંસ્થાના ચાર પ્રોફેસર કે વરિષ્ઠ ફેકલ્ટી સભ્યોની નિયુક્તિ કરવી પડશે. વિશેષ આમંત્રીત તરીકે શૈક્ષણિક ગુણવતા, રમત-ગમતમાં ઉત્કૃષ્ઠતા, સહ-અભ્યાસ પ્રવૃતિઓમાં પ્રદર્શનના આધારે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓમાંથી એક પ્રતિનિધિની નિમણુંક કરવાની રહેશે.
આ ઉપરાંત એક સભ્ય મહિલા અને એક સભ્ય અનામત કેટેગરીના હોવા જરૂરી છે. ચેરપર્સન અને સભ્યોના કાર્યકાળની મુદત બે વર્ષની રહેશે. જયારે આમંત્રીત સભ્યોની મુદત એક વર્ષની રહેશે. ચેરપર્સન સહિત ત્રણ સભ્યો હોય ત્યારે કોરમ પૂર્ણ ગણાશે. કમીટી સમક્ષ ફરિયાદ મળ્યાના 15 દિવસની અંદર પોતાનો અહેવાલ પ્રિન્સીપાલ કે અન્ય સતાધીશો સમક્ષ મુકવાનો રહેશે. આ કમીટીના નિર્ણયથી અસંમત હોય તેવા વિદ્યાર્થીઓ 15 દિવસમાં લોકપાલ સમક્ષ ફરિયાદ કરી શકશે. લોકપાલની સમય મર્યાદા ત્રણ વર્ષની રહેશે.