RMCનો રૂ. 1100 કરોડનો ટીપરવાન કોન્ટ્રાક્ટ વિવાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મનપા દ્વારા તાજેતરમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. 1100 કરોડનો 10 વર્ષનો ટીપરવાન કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ મંજૂર થયા બાદ સતત તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. આ કોન્ટ્રાક્ટને સ્ટેન્ડિંગ કમિટીએ લીલીઝંડી આપી દીધા બાદ રાજકોટમાંથી ગઈકાલે બદલી થયા પહેલા તત્કાલીન મ્યુ. કમિશ્નર દેવાંગ દેસાઇએ તેના રજાના દિવસો દરમિયાન એક દિવસ ઓફિસમાં હાજરી આપી આ કોન્ટ્રાક્ટને લીલીઝંડી આપતી સહી કરી દીધી હોવાનો સવાલ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. જોકે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે તમામ આરોપો ફગાવ્યા હતા.
આ મામલે વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું છે કે, અમે પણ કોન્ટ્રાક્ટની વિગતો સ્ટેન્ડિંગ ચેરમેન પાસે માંગી હતી, પરંતુ આજ દિવસ સુધી અમને વિગતો પણ આપવામાં આવી નથી. દરમિયાન રજા ઉપર રહેલા તત્કાલીન મ્યુ. કમિશ્નર દેવાંગ દેસાઈએ રજા દરમિયાન એક દિવસ આવીને આ કોન્ટ્રાક્ટમાં સહી કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવું કરવામાં તત્કાલીન મ્યુ. કમિશનર દેસાઈ ઉપરાંત ભાજપનાં મોટા નેતાઓનું હિત હોવાનું લાગી રહ્યું છે. જે અંતર્ગત તપાસ કર્યા બાદ કૌભાંડની શક્યતા જણાશે તો કોંગ્રેસ પણ આ મામલે આંદોલન કરશે.
રાજકોટમાં ઘરે ઘરેથી ટીપરવાન મારફત કચરો એકત્ર કરવાનું કામ હાલમાં વર્ષે રૂ. 30થી 35 કરોડના ખર્ચે થાય છે. કામગીરીમાં અમુક ફીચર્સ ઉમેરી વર્ષે રૂ.100 કરોડના ખર્ચે અને 10 વર્ષે આશરે રૂ.1100 કરોડનાં ટીપર વાનનાં કોન્ટ્રાક્ટને ગત તા.12 નવેમ્બરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો. આ પહેલા ખુદ ભાજપના જ સિનિયર કોર્પોરેટર નેહલ શુકલે આ કામ જરૂરી છે, પરંતુ આટલો બધો ખર્ચ કઇ રીતે તેમજ કયા વધારાના કામ માટે થાય છે તે સવાલ કર્યા હતા.
ભાજપના જ અન્ય એક કોર્પોરેટર અને ખુદ સેનીટેશન સમિતિ ચેરમેન નીલેશ જેલુએ પણ શંકાસ્પદ કોન્ટ્રાક્ટનો વિરોધ કર્યો હતો અને કમિશનરને પત્ર લખ્યો હતો પરંતુ, પછી પોતે વિગતો ન જાણતા હોવાનું કહી ફેરવી તોળ્યું હતું. ’ઉપર’થી દબાણ આવ્યું હોય કે કુલડીમો ગોળ ભાંગી લેવાયો હોય તેમ વિરોધ માંડી વાળ્યો હતો. જ્યારે આ મોટી રકમનો ભ્રષ્ટાચાર છે તેમ કહીને કોંગ્રેસના શહેર પ્રમુખ અતુલ રાજાણીએ લેખિતમાં રજૂઆત કરી હતી અને વહીવટી મંજૂરી નહીં આપવા માગ પણ કરી હતી.
- Advertisement -
સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ લોકોના અને કોર્પોરેશન તંત્રનાં હિતમાં આપવામાં આવ્યો છે. રાજકોટની ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનની વ્યવસ્થાને વધુ સારી બનાવવા તેમજ સ્વચ્છતાનાં રેન્કમાં સુધારો આવે તે માટે આ કામ આપવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ કોન્ટ્રાક્ટ મંજૂર થયો ત્યારે તત્કાલીન મ્યુ. કમિશ્નર દેવાંગ દેસાઈ હાજર હતા અને ચાર્જમાં પણ હોવાથી ત્યારે જ તેમણે સહી કરી હતી. તેઓએ રજા ઉપર હોવા છતાં ખાસ આ માટે આવીને સહી કરી હોવાની વાતમાં કોઈ તથ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મ્યુ.કમિશનર દેવાંગ દેસાઈએ પણ દસ-બાર દિવસ સુધી વહીવટી મંજૂરી આપવાનું ટાળ્યું હતું અને બાદમાં તેઓ લાંબી રજા ઉપર ઉતરી ગયા હતા. જે રજા દરમિયાન જ ગઈકાલે તેમની બદલી પણ થઈ ગઈ છે. જોકે આશરે પખવાડિયાની રજામાં વચ્ચેથી એક દિવસ તેઓ મનપામાં સપ્તાહ પહેલા આવ્યા હતા અને ત્યારે આ ઠરાવને વહીવટી મંજૂરી આપી દીધાનો આરોપ વિપક્ષ નેતાએ લગાવ્યો છે. જોકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તમામ આરોપો ફગાવ્યા છે.