પૂર્વ MLA અને કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ આજે લોકદરબાર કરશે
કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું અમારે કાંઈ લેવાદેવા નથી
ખાસ-ખબર સંવાદદાતા
પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે બઘડાટી બોલી, 14ની ટીંગાટોળી સાથે અટકાયત. રાજકોટમાં આજે સતત ચોથા દિવસે રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ ગુંદાવાડી પોલીસ ચોકી પદ્મકુંવરબા હોસ્પિટલ પાસે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ સ્કુટર રેલી યોજી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં પોલીસ પીડિતોનો રાફડો ફાટતા પૂર્વ ખકઅ અને કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ આજે લોકદરબાર કરશે. આ અંગે શહેર પ્રમુખ અશોક ડાંગરે મીડિયાને જણાવ્યું હતું કે, લોકદરબારથી મારે અને કોંગ્રેસને કાંઈ લેવાદેવા નથી. તેમનું આ નિવેદન શહેર કોંગ્રેસમાં જૂથવાદની આગ હજુ શમી નથી તેવું સ્પષ્ટ પણે દર્શાવે છે.
પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે કોંગ્રેસના આગેવાનોએ સ્કુટર રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં કોંગી કાર્યકરોએ ‘પોલીસ કમિશનર ચોર હૈ ના નારા અને ’રક્ષક જ બન્યા ભક્ષક’, ’વાડ જ ચીભડા ગળે’, ’રાજકોટ પોલીસ કમિશ્નર ગુનાઓ અટકાવવાને બદલે ગુનાઓ કરે’, ’હવાલા ગીરી બંધ કરો’ અને ’રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાંચ હવે હવાલા બ્રાંચ’ના બેનરો સાથે કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને પગલે પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી. જ્યાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા.