– કોંગ્રેસ-AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
વિધાનસભા ગૃહમાં વિપક્ષે આજે નકલી PSI મયુર તડવી મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્યોએ ગૃહમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરી હતી. જેથી કોંગ્રેસ અને AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે.
- Advertisement -
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે ગૃહમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા નકલી પીએસઆઇ મયુર તડવીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કરાઈમાં બોગસ PSIની ટ્રેનિંગનો મુદ્દો સત્રમાં ગુંજ્યો હતો. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને નિયમ 116 અંતર્ગત નોટિસ આપી ચર્ચાની માંગ કરી હતી. જોકે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તાત્કાલિક ચર્ચાનો ઈન્કાર કર્યો હતો. શંકર ચૌધરીએ કહ્યું હતું કે, મંત્રીને જવાબ આપવા સમય આપવો પડે.
ધારાસભ્યોએ ગૃહમાં બેનર સાથે સૂત્રોચાર કર્યા
ચર્ચાના ઈન્કાર બાદ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ ગૃહમાં બેનર સાથે સૂત્રોચાર કર્યા હતા. મુખ્યમંત્રી જવાબ આપે તેવી વિરોધ પક્ષે માંગ કરી હતી. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ વિરોધ પક્ષે માંગ કરી હતી.
યુવાનો માટે જે કરવું હોય તે કરવા તૈયાર છીએઃ CM
ગૃહમાં હોબાળા બાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાબ આપ્યો હતો કે, હોબાળા માટે આ ગૃહ નથી, યુવાનો માટે જે કરવું હોય તે કરવા તૈયાર છીએ. ગૃહ રાજ્યમંત્રી કે સરકાર જે કરવાનું હોય તે કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે, આ ઘટના ગંભીર છે, મોટુ રેકેટ હતું જેની ઘણાં દિવસોથી તપાસ ચાલતી હતી. તપાસની ખાનગી માહિતી કેવી રીતે લીક થઈ તેની પણ તપાસ ચાલી રહી છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ મામલે સો ટકા સચોટ જવાબ આપવામાં આવશે. હું તમામ પ્રશ્નનો જવાબ આપવા બંધાવેલો છું. કોઈના પણ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું. આજે કહે તો પણ જવાબ આપવા તૈયાર છું.
- Advertisement -
કોંગ્રેસ-AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
જોકે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે આ મુદ્દે આજેને આજે ચર્ચા થઈ શકશે નહીં. આપણે બંધારણને તોડનારા નહીં બંધારણની રક્ષા કરનારા છીએ. અધ્યક્ષના આદેશ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. જેથી કોંગ્રેસ અને AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલની દરખાસ્ત અધ્યક્ષે માન્ય રાખી છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસ-AAPના સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. ઋષિકેશ પટેલની દરખાસ્તને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ ટેકો આપ્યો છે.