રાજકોટ પાસેના મઘરવાડાના જમીનધારકના દસ્તાવેજમાં કોઇનું નામ ઉમેરાઇ ગયાની અરજીની તપાસ કરતાં ભાંડો ફૂટ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોર શહેરની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતાં ઓપરેટરો દ્વારા નકલી દસ્તાવેજનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 40 વર્ષથી જૂની મિલકતોના દસ્તાવેજોમાં મૂળ માલિક ઉપરાંત અન્યના નામ ઉમેરી દેવામાં આવ્યા હતા તો કેટલાકમાં તો માલિકો જ બદલાવી દેવાયા હતા. પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.
- Advertisement -
રાજકોટના મઘરવાડાના જમીનધારકની જમીનના દસ્તાવેજમાં તેમના ઉપરાંત કોઇ અજાણી વ્યક્તિનું બારોબાર નામ ઉમેરી દેવાયાની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1માં જમીન માલિક દ્વારા અરજી કરવામાં આવી હતી. આ મામલે કચેરીના સબ રજિસ્ટ્રાર અતુલ દેસાઇ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરતાં એક જ દસ્તાવેજ નહીં પરંતુ અનેક દસ્તાવેજોમાં ચેડાં થયાનું ખુલ્યું હતું અને કચેરીમાં જ નોકરી કરતા શખ્સોએ આ ખેલ પાડ્યા હોવાનો પણ ભાંડાફોડ થયો હતો. આ મામલે સબ રજિસ્ટ્રાર દેસાઇએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં કચેરીમાં ઓપરેટર તરીકે નોકરી કરતાં જયદીપ ઝાલા, અગાઉ નોકરી કરી ચૂકેલા હર્ષ સાહોલિયા અને કિશન ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી.
જયદીપ અને તેની ગેંગે 17થી વધુ નકલી દસ્તાવેજ બનાવી નાખ્યાં
જયદીપ ઝાલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે અને હર્ષ અગાઉ નોકરી કરતો હતો. કચેરીમાં 40 વર્ષથી જૂના દસ્તાવેજો પડ્યા હતા તેના કાગળો રદ્દી જેવા થઇ ગયા હતા. કેટલાકમાં તો વાંચવું પણ મુશ્કેલ લાગતું હતું. આવા દસ્તાવેજો તથા જે જૂના દસ્તાવેજોમાં વર્ષોથી કોઇ એન્ટ્રી પડી ન હોય તેને શોધીને સ્કેન કરી તેમાં નવા નામ ઉમેરી દેતા હતા. જયદીપ અને તેના મળતિયાએ 17થી વધુ નકલી દસ્તાવેજ બનાવી નાખ્યા હતા. આ પૈકીની કેટલીક મિલકતો પર કબજો થયાની પણ હાલ શંકા સેવાઇ રહી છે. ઓપરેટર જયદીપ ઝાલા અને તેના મળતિયાએ નકલી દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ આચર્યાની મંગળવારે સાંજે પ્ર.નગર પોલીસને જાણ કરાતાં જ પીઆઇ ઝનકાંતે જયદીપને બોલાવતા જયદીપ સ્કૂટર લઇને પોલીસ મથકે પહોંચ્યો હતો. પાર્કિંગમાં પાર્ક કરાયેલા સ્કૂટરની ડેકી પોલીસે ખોલતાં જ અંદરથી દારૂની એક બોટલ અને રૂ.1,17,800 રોકડા પણ મળી આવ્યા હતા.