ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
રાજ્યવ્યાપી શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધામાં મોરબી જિલ્લાના 10 આયોજકોએ ભાગ લીધો છે, જેમાં વાંકાનેરના પ્રખ્યાત ’માર્કેટ ચોક કા રાજા’ ગણેશ પંડાલનું આયોજન ધ્યાન ખેંચી રહ્યું છે. આ પંડાલે ’ઓપરેશન સિંદૂર’ની થીમ રજૂ કરી દેશના વીર જવાનોની શૌર્યગાથા અને દેશદાઝને જીવંત કરી છે.
વાંકાનેરના માર્કેટ ચોક ખાતે આયોજિત આ ગણેશ મહોત્સવમાં વિશાળ બેનરો અને પોસ્ટર્સ દ્વારા ’ઓપરેશન સિંદૂર’ની થીમ પ્રદર્શિત કરવામાં આવી છે. આ પંડાલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગણેશજીના દર્શન કરવા ઉમટી પડે છે, ત્યારે તેમને દેશભક્તિનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, દરરોજ સાંજે બાળકો દ્વારા દેશભક્તિ અને અન્ય વિવિધ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવે છે, જે લોકોને મનોરંજનની સાથે સાથે પ્રેરણા પણ પૂરી પાડી રહ્યા છે. આ અનોખા આયોજન દ્વારા આયોજકોએ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.