દિવાળી કાર્નિવલ : રેસકોર્સ રિંગ રોડ રંગોળીના રંગે રંગાયો
1000થી વધુ કલાકારોએ 500થી વધુ રંગોળી તૈયાર કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રંગીલા રાજકોટ શહેરની એક આગવી ઓળખ રહી છે તેમાં પણ કોઈ પણ તહેવાર કે ઉત્સવ હોય એટલે તેને રંગેચંગે મનાવવા માટે રાજકોટવાસીઓ હરહંમેશ તત્પર રહેતા હોય છે. રોશની અને ઉજાસના મહાપર્વ દિવાળીને પણ રાજકોટવાસીઓ રંગેચંગે ઉજવે છે. દિવાળીના પર્વ પર લોકો પોતાના આંગણે રંગોળી કરતા હોય છે અને રંગોળીનું પણ અનેરું મહત્વ છે. ત્યારે આખાયે રાજકોટ શહેરનું આંગણું એટલે રેસકોર્સ રિંગ રોડ અને આ રેસકોર્સ રિંગ રોડ ફરતે ચિત્રનગરીના કલાકારો તેમજ રાજકોટની જનતા દ્વારા મહાનગરપાલિકા આયોજિત રંગોળી સ્પર્ધામાં ભાગ લઇ 1000 જેટલા સ્પર્ધકોએ 500થી વધુ રંગબેરંગી રંગોળી બનાવી વાતાવરણ રંગીન કરી દીધું છે. રંગોળી સ્પર્ધામાં ખાસ ઓપરેશન સિંદૂર, ચાલુ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ છાવાનું પોસ્ટર, ભારત માતાના દર્શન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભગવાન શ્રીકૃષ્ણ, રાધાકૃષ્ણ, હનુમાનજી, પ્રેમાનંદ મહારાજ અને મેરા નામ જોકર ફેમ રાજ કપૂરનું આબેહૂબ પોસ્ટર અને ભારતની કોયલ સ્વ. લતા મંગેશકરનું પોસ્ટરની 15 ફૂટની રંગોળી આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. શુક્રવારે ચિત્રનગરી ટ્રસ્ટ સાથે મળી મનપા દ્વારા સતત આઠમી વખત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટની ચાર દીકરીઓ દ્વારા ઓપરેશન સિંદૂરને ધર્મ સાથે જોડી એક અનોખી 15 ફૂટની લાંબી રંગોળી તૈયાર કરી, જેમાં પાકિસ્તાનને ધૂળ ચટાળતા ભારતના જવાનોને કંડારવામાં આવ્યા
પુષ્પ કમળ પર શયન મુદ્રામાં બિરાજમાન રાધિકા અને ભગવાન શ્રીકૃષ્ણની મનમોહક રંગોળી
- Advertisement -
દિવાળી કાર્નિવલમાં રાજકોટનાં આગણા સમાન રેસકોર્સ રિંગરોડ ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પુષ્પ કમળ પર શયન મુદ્રામાં બિરાજમાન રાધિકા અને ભગવાન શ્રીકૃષ્ણની મનમોહક રંગોળી એ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ મનમોહક રંગોળી રાજકોટ શહેરના કવિતાબેન આચાર્ય સાથે તેમની પુત્રી રિતીદા અને સર્વદા દ્વારા રંગબેરંગી કલર પૂરી તૈયાર કરવામાં આવી હતી. રંગોળી નિહાળનાર તમામ લોકોએ આ મનમોહક રંગોળીની ખૂબ જ પ્રંશસા કરી હતી અને તેમની કલાકૃત્રિને બિરદાવી હતી.
સ્પર્ધામાં કોઈ ફી નથી અને કલર પણ આયોજકો આપે છે
આ સ્પર્ધામાં એક પણ રૂપિયાની ફી વસૂલવામાં આવતી નથી અને કલાકારોને કલર પણ આયોજકો દ્વારા ફાળવવામાં આવે છે. જેમાં અંદાજે 3000 કિલો ચિરોડી કલરનો ઉપયોગ આ વર્ષે કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં ગ્રુપ રંગોળીમાં પ્રથમ ત્રણને રૂપિયા 5000નું ઈનામ આપવામાં આવશે. જયારે વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ 11 વિજેતાને રૂપિયા 5000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને 51 રંગોળીના કલાકારોને રૂપિયા 1000નું આશ્વાસન ઈનામ આપવામાં આવશે. આ વર્ષે ત્રણ લકી વિજેતાને રૂપિયા 5000ની ફટાકડાની કીટ ગિફ્ટમાં આપવામાં આવી છે.