ગ્રાહકને જૂનો મોબાઈલ ધાબડી દેવાનો કિસ્સો
A ડિવિઝન આ કિસ્સામાં તત્કાલ તપાસ હાથ ધરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સરદારનગર મેઈન રોડ પર આવેલા ઉમિયા મોબાઈલ દ્વારા એક ગ્રાહકને નવા મોબાઈલના બદલામાં જૂનો મોબાઈલ ધાબડી દેવામાં આવ્યો છે. ઉમિયા મોબાઈલમાંથી નવો વિવો વી-23 મોબાઈલ ખરીદનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને જૂનો વિવો-23 મોબાઈલ મળતા તેમણે રાજકોટ પોલીસ કમિશનરને ઉમિયા મોબાઈલના માલિક બંટી પટેલ, કિશોર પટેલ અને સેલ્સ મેનેજર રાકેશ મકવાણા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવા અરજી કરી હતી. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આ અરજી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ કરવામાં આવી છે. હવે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન સમગ્ર મામલાની તપાસ કરશે. બનાવની વિગત મુજબ ગત તા. 26 જાન્યુઆરીએ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિએ ઉમિયા મોબાઈલમાંથી પચ્ચીસ હજાર રૂપિયા ચૂકવી નવો વિવો વી-23 મોબાઈલ ખરીદ્યો હતો અને જ્યારે તેઓ ઘર જઈ મોબાઈલ જોયો તો તેમાં જૂના મેસેજ સહિત આલાર્મ સેટ હતા.
બીજા દિવસે ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉમિયા મોબાઈલમાંથી ખરીદેલો વિવો વી-23 મોબાઈલ લઈ વિવો સર્વિસ સેન્ટર પહોંચ્યા હતા ત્યાં પણ તેમને જણાવવા આવ્યું હતું કે, આ તો જૂનો મોબાઈલ છે જેની વોરંટી પૂરી થઈ ગઈ છે. ઉમિયા મોબાઈલના માલિકો બંટી પટેલ, કિશોર પટેલ અને સેલ્સ મેનેજર રાકેશ મકવાણાએ ધર્મેન્દ્રસિંહ જાડેજાને નવા વિવો વી-23 મોબાઈલની જગ્યાએ જૂનો વિવો વી-23 મોબાઈલ ધાબડી દીધા બાદ પણ નમતું મૂક્યું નહતું. જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાને નવો ખરીદેલો મોબાઈલ વપરાયેલો છે તેવી ખબર પડી એટલે તેમણે વિવો સર્વિસ સેન્ટરથી લઈ મોબાઈલના આઈએમઆઈ નંબરની તપાસ કરી બધા જ પુરાવાઓ એકઠા કર્યા હતા અને તેઓ પુરાવા સાથે ઉમિયા મોબાઈલ પહોંચ્યા હતા. પરંતુ ઉમિયા મોબાઈલના માલિકો તેમજ સેલ્સ મેનેજરે સમગ્ર મામલે હાથ ઊંચા કરી લેતા અંતે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉમિયા મોબાઈલના માલિક અને સેલ્સ મેનેજર વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનર તેમજ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. આ ફરિયાદ સંદર્ભે હવે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન અને ગ્રાહક સુરક્ષા વધુ તપાસ હાથ ધરશે.
ઉમિયા મોબાઈલ જૂનાં મોબાઈલને નવા મોબાઈલમાં ખપાવી વેંચે છે?
‘ખાસ-ખબર’માં ઉમિયા મોબાઈલ દ્વારા એક ગ્રાહક સાથે કરવામાં આવેલી છેતરપિંડીની અહેવાલ પ્રસ્તુત થયા બાદ મોબાઈલ બજારથી આ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે, ઉમિયા મોબાઈલ જૂના મોબાઈલને નવા મોબાઈલમાં ખપાવી વેંચે છે. ઓફર્સ – ડિસ્કાઉન્ટનો ફાયદો લેવા અને વધુ પૈસા કમાવવા મોટાભાગના મોબાઈલ બોક્સ ખોલવામાં આવે છે. પછી ફરી તેને પેક કરી વેંચવામાં આવે છે. ક્યારેક ડેમો પીસને પણ નવા મોબાઈલ તરીકે ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે.