પામતેલમાં ડબ્બે 1150 ઘટ્યાં પણ ફરસાણનો ભાવ એનો એ જ
ખાસ-ખબર સંવાદદાતા
તહેવારોના સમય દરમિયાન પામતેલ સહિત અન્ય તેલોમાં ભાવમાં ઘટાડો થવા છતાં વેપારીઓ દ્વારા ગ્રાહકોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. પામતેલમાં ડબ્બે 1150 ઘટ્યા છતાં પણ ફરસાણના 400 થી 600 સુધી ભાવ લેવામાં આવે છે. ત્યારે અહીંયા તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા ન હોવાથી જાણે વેપારીઓને ખુલ્લી છૂટી મળી ગઇ હોય તેવો ઘાટ ઘડાયો છે. રાજકોટમાં પામતેલની કિંમતો એપ્રિલ મહિનાની સરખામણીએ 40 ટકા જેટલી ઘટી ગઈ છે બીજી તરફ પામના ભાવ વધ્યા ત્યારે તેનું કારણ આગળ ધરીને ફરસાણના ભાવ વધારી દેનારાઓએ તેલના ભાવ ઘટ્યા બાદ મૌન ધારણ કર્યું છે અને હવે મોંઘવારીનું કારણ બતાવી રહ્યાં છે. મલેશિયા અને ઈન્ડોનેશિયામાંથી પામની નિકાસ ઘટતા તેની તાત્કાલિક અસર બજાર પર પડી હતી અને ભાવ ઊંચકાઇ ગયા હતા. તેલના ભાવ ભડકે બળતા ફરસાણમાં ભાવવધારો તુરંત જ લાદી દેવાયો હતો. 30 એપ્રિલની સ્થિતિએ પામોલીનનો ભાવ 2610 હતો જે હાલમાં 1460ની આસપાસ છે એટલે કે 1150 રૂપિયા ઘટ્યા છે.
- Advertisement -
આ ઘટાડો ખૂબ જ જંગી હોવા છતાં ફરસાણના ભાવ ઘટ્યા નથી. માત્ર પામ જ નહિ કપાસિયા, સરસવ, મકાઈ, સનફ્લાવર તેમજ વેજિટેબલ ઘીમાં પણ ભાવ ઘટ્યા છે અને સસ્તા થયા છે પણ આ લાભ લોકોને આપવાને બદલે તેને નફાખોરીની તકમાં ફેરવી દેવાઈ છે અને તેલના નામે વધારેલા ભાવને ન ઘટાડી સસ્તા તેલમાં વધુ કમાણી ફરસાણના વેપારીઓ કરી રહ્યાં છે. આ પાછળ અલગ અલગ તર્ક અપાઇ રહ્યાં છે જે પાયા વિહોણા છે. વેપારીઓ જણાવે છે કે, આ સમય દરમિયાન પેટ્રોલ, મજૂરી અને ગેસના ભાવમાં ઉછાળો આવ્યો છે તેથી તેલના ભાવ ઘટ્યે કોઇ ફરક પડતો નથી એટલે ભાવ ઘટાડાયા નથી. આમ તહેવાર પર લોકોએ ના છૂટકે મોંઘા ભાવનું ફરસાણ ખરીદવું પડે છે.
30 એપ્રિલથી 28 સપ્ટેમ્બરના ભાવની સરખામણી
તેલ 30 એપ્રિલ 28 સપ્ટે ઘટાડો (રકમ રૂ)
કપાસિયા 2760 2190 570
પામોલીન 2610 1460 1150
સરસવ 2510 2160 350
સનફ્લાવર 2680 2180 500
મકાઈ 2480 1960 520
વનસ્પતિ 2670 1520 1150