GCBથી અરડૂશાના વૃક્ષની ડાળીઓ કપાઈ; વન વિભાગ/નગરપાલિકાની મંજૂરી વિના કાર્યવાહી સામે અનેક સવાલો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર આવેલી નવનિર્માણ પામતી નામાંકિત સ્પર્શ હોસ્પિટલ દ્વારા પોતાની મનમાનીથી રસ્તાના કિનારે ઊભેલા અરડૂશાના વૃક્ષની ડાળીઓનું ૠઈઇ મારફતે કટિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ કાર્યવાહી કરવા પૂર્વે હોસ્પિટલના સંચાલકોએ વન વિભાગ કે નગરપાલિકાની કોઈ મંજૂરી લીધી ન હોવાના આક્ષેપો સાથે પર્યાવરણ સાથે ચેડાં કરવા બદલ અનેક સવાલો ઊભા થયા છે. અરડૂશાનું વૃક્ષ પ્રદૂષણને નિયંત્રિત કરવા અને અન્ય વૃક્ષો કરતાં વધુ ઓક્સિજન આપવા માટે મહત્વનું ગણાય છે. તેમ છતાં, હોસ્પિટલના સંચાલકોએ પોતાના સ્વાર્થ માટે આવા મહત્વના વૃક્ષને હાનિ પહોંચાડી છે. અગાઉ પણ આ જ હોસ્પિટલ દ્વારા અરડૂશાના વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
એક તરફ સરકાર *’વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો’*ના અભિયાન અને વન મહોત્સવની ઉજવણી કરી રહી છે, ત્યારે રાજુલાની આ ઘટના સરકારી અભિયાન અને જમીની હકીકત વચ્ચેનો વિરોધાભાસ દર્શાવે છે. વિકાસનો અર્થ પ્રકૃતિનો નાશ ન હોવાથી, આ જવાબદાર હોસ્પિટલના સંચાલકો સામે વન વિભાગ અને નગરપાલિકા દ્વારા કાયદેસરની અને નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી જનતામાં માંગ ઉઠવા પામી છે. હવે તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.
કાયદાનું બેવડું ધોરણ?
સ્થાનિક લોકોમાં એવી વિસંગતતા અંગે સવાલો ઊભા થયા છે કે, જો કોઈ સામાન્ય માણસ કે ખેડૂત ઘર આંગણાનું એક વૃક્ષ પણ કાપે તો વન વિભાગ કે નગરપાલિકા દ્વારા તુરંત દંડની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ, મોટો હોદ્દો કે રાજકીય વગ ધરાવતા વ્યક્તિ દ્વારા કરોડોનું બિલ્ડીંગ ઊભું કરતી વખતે જો વૃક્ષો કાપી નાખવામાં આવે તો તેના પર કોઈ કાર્યવાહી કેમ થતી નથી? લોકોના મનમાં આ સવાલો ઊઠ્યા છે કે શું કાયદો માત્ર સામાન્ય માણસ માટે જ છે?