અગાઉ પ્રાંત અધિકારીએ દરોડા કર્યા બાદ આજદિન સુધી યાદી જાહેર થઈ નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસાના કાળા કારોબારમાં રાજકીય નેતાઓ પણ ભાગીદાર હોવાનું કહેવામાં આવે છે. પરંતુ આ વાત કેટલાક અંશે સત્ય સાબિત કરે તે પ્રકારની એક ઘટના થાનગઢ પંથકમાં સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાનગઢ ખાતે ચાલતા કોલસાના કુઆ પર છેલા ત્રણેક મહિનાથી જે પ્રકારે ચોટીલા પ્રાંત અધિકારી ખનન રોકવા માટે કાર્યવાહી કરે છે તે કાબિલેદાદ કહી શકાય પરંતુ આ કોલસાના ખનનને જળમૂળથી બંધ કરવા માટે સૌ પ્રથમ કોલસાની ખાણો ચલાવતા અને સરકારમાં બેઠેલા નેતાઓને ડામવા પડે તેમ છે. તેવામાં થાનગઢ તાલુકાના સોનગઢ ગામે ખારા વિસ્તારમાં ચાલતી ઓપન કટીંગ ખાણો પર ગયા મહિને ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા દરોડો કરાયો હતો જે દરોડામાં જેસીબી મશીન લોડર, તથા સીમ શાળા પાસેથી મોટા પ્રમાણમાં કોલસાના જથ્થા સહિત લાખોનો મુદામાલ જપ્ત કરાયો હતો. સામાન્ય રીતે ચોટીલા પ્રાંત અધિકારી જ્યાં પણ કોલસાના ખનન અંગે દરોડા કરે છે ત્યાં બાદમાં જમીન માપણી સાથે ખનિજ માફિયાઓની અને જે જમીન પર ગેરકાયદેસર ખનન ચાલતું હોય તે લોકોના નામની યાદી જાહેર કરે છે.
- Advertisement -
પરંતુ સોનગઢ ગામે ખારા વિસ્તારમાં ચાલતા મસમોટા ઓપન કટીંગ ખાણો પર દરોડાની આ કાર્યવાહીથી પ્રાંત અધિકારી અળગા રહ્યા હતા. એટલે કે દરોડા બાદ પણ જમીન માલિકો અથવા તો ખનિજ માફિયાઓની યાદી આજદિન સુધી જાહેર કરાઈ નથી. કહેવાય છે કે સોનગઢ ગામે જ્યાં પ્રાંત અધિકારીએ દરોડા કર્યા તે ગેરકાયદેસર ઓપન કટીંગ ખાણો સાથે ક્યાંકને ક્યાંક રાજકીય નેતાના તાર જોડાયેલા છે જેથી અહીં દરોડા બાદ “કુલડીમાં ગોળ ભાગે” તે પ્રકારે કામગીરી આટોપી લેવાઈ હતી. જોકે આ દરોડામાં મસમોટા વહીવટ થયાની પણ ચર્ચા છે પરંતુ આ ચર્ચામાં કોઈ તથ્ય હોય તેવું સામે આવ્યું નથી ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જણાવ્યું હતું કે સોનગઢ ગામે ઓપન કટીંગ ખાણો લિઝ ધરાવતી હોવાથી આગળની કાર્યવાહી કરાઈ નથી તો પછી મંજૂરી હોવા છતાં પણ પ્રાંત અધિકારીએ દરોડા શા માટે કર્યો ? તે પણ એક મોટો સવાલ છે. જે પ્રકારે થાનગઢના ભડુલા અને જામવાડી ખાતે દરોડા બાદ સતત પ્રાંત અધિકારી આ વિસ્તારોમાં વોચ રાખી રહ્યા છે તે પ્રકારે સોનગઢ ગામે ખારા વિસ્તારમાં કેમ કડકાઈ નથી વપરાતી ? તેવા અનેક પ્રશ્નો હવે પ્રાંત અધિકારી સામે ઉઠી રહ્યા છે.
સોનગઢ ગામે ચાલતી ખાણો સરકારની મંજૂરી હતી !
સોનગઢ ગામે દરોડા બાદ યાદી જાહેર નહીં કરવા અંગે ચોટીલા પ્રાંત અધિકારીએ સોનગઢ ગામે ચાલતી ખાણોમાં સરકારની મંજૂરી એટલે કે લિઝ ધરાવતી ખાણો હોવાનું જણાવ્યું હતું, તો પછી મંજૂરી હોવા છતાં ખાણો પર દરોડો કરી જેસીબી અને લોડર સહિત કોલસાનો જથ્થો શા માટે ઝડપી લેવામાં આવ્યો હતો ?
- Advertisement -
પ્રાંત અધિકારી દ્વારા ખનિજ માફિયાઓને પણ “ગોળ અને ખોળ” જેવો ઘાટ !
જે પ્રકારે ચોટીલા પ્રાંત અધિકારી ભડુલા, જામવાડી અને અન્ય વિસ્તારોમાં દરોડા બાદ સતત વોચ રાખી રહ્યા છે તે પ્રકારે સોનગઢ ગામે સોનગઢ ગામના ખારા વિસ્તારમાં ચાલતી કોલસાની ઓપન કટીંગ ખાણોને નજર અંદાજ કરતા હવે અહીં ગેરકાયદેસર ખાણો ધમધમી ઉઠી છે.



