વિધાનસભામાં ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલ પર ખુદ શિક્ષણ વિભાગે જ સ્વીકાર કર્યો
શાળાઓમાં ઓરડા નથી, શિક્ષણની ક્યાં વાત કરવી
ખાસ-ખબર સંવાદદાતા
ભણશે ગુજરાત, વાંચશે ગુજરાતના સૂત્રો ગુંજવી સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે તેવુ ચિત્ર ઉભુ કરી રહી છે પણ કડવી વાસ્તવિકતા એછેકે, સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ક્યાં ભણવું એ સવાલ ઉભો થયો છે. ખુદ શિક્ષણ વિભાગે જ વિધાનસભામાં એકરાર કર્યો છે કે, ગુજરાતમાં 341 સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં નામ પુરતો એક જ ઓરડો છે.
રાજ્યમાં જાણે શિક્ષણ તંત્ર ખાડે ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. સરકારી શાળાઓમાં ઓરડા સહિતની માળખાકીય સુવિધા જ નથી. સરકારને પણ સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં રસ રહ્યો નથી. આ પરિસ્થિતીને કારણે ખાનગી શાળાઓને ફાવતુ ફાવ્યુ છે. વાલીઓને નાછૂટકે વધુ ફી ચૂકવી બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબૂર બન્યા છે.
ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ પૂછતા સરકારે ગૃહમાં એવો જવાબ રજૂ કર્યો કે, ગુજરાતમાં 341 સરકારી પ્રાથમિક શાળાઓમાં એક જ ઓરડો છે. સરકારે એવો ય બચાવ કર્યો છેકે, બાળકો અને શિક્ષકોની સંખ્યા ઓછી હોવાથી આ સ્થિતીનુ નિર્માણ થયુ છે. આ ઉપરાંત જર્જરીત ઓરડાને તોડી પાડવામાં આવ્યા છે પણ સરકારનુ કહેવુ છેકે, જમીન જ નથી પરિણામે નવા ઓરડા બાંધી શકાય તેમ નથી.
એક શાળામાં એક ઓરડામાં બધાય વિદ્યાર્થીઓ કેવી અભ્યાસ કરતાં હશે તેવી કલ્પના કરવી રહી. આ વિપરીત પરિસ્થિતી વચ્ચે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમ છતાંય સરકારે એવો પ્રત્યુતર આપ્યો છેકે, આગામી વર્ષોમાં તબક્કાવાર ઓરડા બાંધવામાં આવશે. ટૂંકમાં હાલ આ સ્થિતી વચ્ચે જ વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો પડશે.