બિનહિન્દુઓ ધાર્મિક સ્થળોએ માંસ, માછલી, દારુ વગેરે વેચે છે તેમના પ્રવેશ પર પ્રતિબંધ હોવો જોઈએ: આશા નૌટિયાલ
બિનહિન્દુ તત્વો દ્વારા કેદારનાથ ધામને બદનામ કરવાનો પ્રયાસ
- Advertisement -
કેદારનાથમાં હિન્દુઓ સિવાયના અન્ય કોઇ પણ વ્યક્તિને પ્રવેશના નહીં દેવાય અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારી ચાલી રહી છે તેવો દાવો ભાજપના ધારાસભ્ય આશા નૌટિયાલે કર્યો છે. સાથે જ આરોપ લગાવ્યો છે કે બિનહિન્દુઓ ધાર્મિક સ્થળોએ માંસ, માછલી, દારુ વગેરે વેચે છે એટલા માટે તેમના પ્રવેશ પર પ્રતિબંધ જરૂરી છે.
ભાજપના ધારાસભ્ય આશા નૌટિયાલે કહ્યું હતું કે તાજેતરમાં જ પ્રદેશ પ્રભારી સૌરભ બહુગુણાએ આ વિષય પર અધિકારીઓ અને સ્થાનિક લોકોની સાથે બેઠક યોજી હતી. બેઠકમાં એવો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો કે, બિનહિન્દુ તત્વો દ્વારા કેદારનાથ ધામને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને તેથી આવા વ્યક્તિઓની ઓળખ કરીને તેમના પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવો જોઇએ.
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કહ્યું હતું કે આ શિવ ભૂમિ છે, ઉત્તરાખંડ જ નહીં દેશભરમાં એક તરફ દ્વારકા અને પુરીમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. એક તરફ રામેશ્વરમ છે તો બીજી તરફ ઉત્તરાખંડમાં કેદારનાથ-બદ્રીનાથ છે. તમે કોને કોને રોકશો? ભાજપના નેતાઓને સનસની ફેલાવવાની ટેવ પડી ગઇ છે. આવા નિવેદનો આપીને ચર્ચામાં આવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અન્ય ધર્મના લોકો તો આપણા ધાર્મિક સ્થળોએ આવે તો પોતાના પગરખા પણ ઉતારી દેતા હોય છે. જો કોઇ ધાર્મિક સ્થળોને અભડાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય તો તેને અટકાવવાની જવાબદારી સરકારની છે.